પીએમઓએ ફ્રાંસ સાથે `સમાંતર વાટાઘાટ'' કરી : રાહુલ ગાંધી

પીએમઓએ ફ્રાંસ સાથે `સમાંતર વાટાઘાટ'' કરી  : રાહુલ ગાંધી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : કરોડો ડૉલરના રફાલ ફાઇટર જેટ વિમાન સોદામાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા `સમાંતર વાટાઘાટો'નું રેકર્ડિંગ કરનારા સંરક્ષણ મંત્રાલયની વચગાળાની નોંધ અંગે એક અંગ્રેજી અખબારે છાપેલા અહેવાલથી ફરી એકવાર રફાલ સોદાના વિવાદ મુદ્દે રાજકારણમાં ગરમી આવી ગઈ છે.
આ અહેવાલના રૂપમાં નવો દારૂગોળો મેળવનારા કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રફાલ સોદામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી `ગુનેગાર' છે. આ એક ખુલ્લો કેસ છે જેમાં પીએમઓએ સીધા વચેટિયાની ભૂમિકા ભજવી છેલ આમ એક રીતે ગુરુવારે સંસદમાં રફાલ મુદ્દે કૉંગ્રેસ સામે આક્ષેપ કરનારા વડા પ્રધાન પર રાહુલે વળતો પ્રહાર કર્યો છે.
`મને નવાઈ લાગે છે કે આટલા આત્મવિશ્વાસથી તેઓ રફાલ મુદ્દે જુઠ્ઠું કેવી રીતે બોલી રહ્યા હતા પછી મને ખબર પડી કે આટલા બધાં વર્ષોના તેમના શાસનમાં એક પણ પ્રામાણિક સંરક્ષણ સોદો થયો નહોતો. કોઈ કાકા કે મામા તેમાં આવતા જ હતા' એમ વડા પ્રધાને સંસદમાં ગુરુવારે કૉંગ્રેસ પર આરોપ મૂકતાં જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પીએમઓએ `સમાંતર વાટાઘાટો' ચલાવીને ભારતની સ્થિતિને નીચી પાડી છે. હવે તો રફાલ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ સવાલના દાયરામાં આવી જાય છે `જો સુપ્રીમ કોર્ટ પાસે આ દસ્તાવેજ હોત તો શું તેણે આવો ચુકાદો આપ્યો હોત? એવો સવાલ રાહુલ ગાંધીએ કર્યો હતો `તમે અમારા કોઈ પણ સભ્યની તપાસ કરી શકો છો. રોબર્ટ વડરા, પી. ચિદમ્બરમ કે પક્ષના કોઈની પણ સામે તપાસ ચલાવી શકો છો, પરંતુ રફાલ સોદાની પણ તપાસ કરાવો.' એમ રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.
`હવે સુપ્રીમ કોર્ટ આ અહેવાલની કેવી નોંધ લે છે તેના પર આપણો આધાર છે. શું સુપ્રીમ કોર્ટ આ બાબતને કોર્ટનો તિરસ્કાર માનશે?' કારણ કે ગયા વર્ષે સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રફાલ સોદાની વાટાઘાટોમાં પીએમઓની કોઈ ભૂમિકા નથી અને આ વાટાઘાટો સાત સભ્યોની ટીમે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer