રફાલ અંગે રાહુલનાં જુઠ્ઠાણાંને ભાજપનો જોરદાર રદિયો

રફાલ અંગે રાહુલનાં જુઠ્ઠાણાંને ભાજપનો જોરદાર રદિયો
કૉંગ્રેસ બહુરાષ્ટ્રીય કંપનીઓના હાથમાં રમી રહી છે : સંરક્ષણપ્રધાન
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 8 : બહુચર્ચિત રફાલ વિમાન સોદાના વિવાદ અંગે રાજધાની દિલ્હીથી પ્રકાશિત એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલને લઈને રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને આ મુદ્દે પહેલાંથી જ આક્રમક રહેલા કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને વડા પ્રધાન પર પ્રહાર કરવાનો એક વધુ મોકો મળી ગયો છે. બીજી તરફ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં આનો જવાબ આપતાં પલટવાર કરતાં કહ્યું હતું કે આ તો કબરમાંથી મડદું કાઢવા જેવી વાત છે.
સંરક્ષણ પ્રધાન સીતારામને અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા એ અહેવાલને ધરમૂળથી નકારી કાઢયો હતો અને કૉંગ્રેસ સહિત સમગ્ર વિરોધ પક્ષો પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સ્વાર્થ સાથે જોડાયેલા પરિબળોના હાથમાં રમી રહ્યા છે. તેમને હવાઈ સેનાને મજબૂત બનાવવાની કોઈ ઇચ્છા નથી.
આ અખબારમાં વડા પ્રધાન કાર્યાલય પીએમઓની રફાલ સોદામાં કરાયેલી દરમિયાનગીરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને નકારી કાઢતાં સીતારામને જણાવ્યું હતું કે પીએમઓ દ્વારા સમય સમય પર વિષયોની જાણકારી લેવામાં આવે તેને હસ્તક્ષેપ કહી શકાય નહીં.
સંરક્ષણ પ્રધાને કૉંગ્રેસ પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો હતો કે યુપીએ સરકારના શાસન વખતે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (એનએસી) બનાવવામાં આવી હતી જેનાં અધ્યક્ષ સોનિયા ગાંધી હતાં તેમનો પીએમઓમાં કેટલો હસ્તક્ષેપ હતો? ત્યારે એનએસીને એક રીતે પીએમઓ ચલાવી રહી હતી. જો આ અખબાર એવું ઇચ્છે છે કે, સચ્ચાઈ સામે આવે તો તેણે તેના અહેવાલમાં તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરનું નિવેદન પણ સામેલ કરવું જોઇતું હતું. પર્રિકરે ત્યારે કહ્યું હતું કે આમાં ચિંતાનું કોઈ કારણ નથી અને બધું બરોબર ચાલી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer