વરલીમાં સહેલાણીઓ ફૂટપાથ પરથી સમુદ્રને માણી શકશે

મુંબઈ, તા. 9 : કૉસ્ટલ રોડ પ્રકલ્પને લીધે સહેલાણીઓ સમુદ્રની મસ્તી માણી શકે એવાં 83 વર્ષ જૂના પ્રોમેનેડ (પદયાત્રીઓ માટેની ફૂટપાથ)ને કોઈ આંચ નહીં આવે એવો ખુલાસો કરવામાં આવ્યો છે. સમુદ્રની મસ્તીને માણી શકાય એવું સહેલાણીઓનું માનીતું ફૂટપાથિયું ક્ષેત્ર જતું રહેશે એવી આશંકા અગાઉ વ્યક્ત કરાઈ હતી.
જોકે, રહેવાસીઓએ આવા અહેવાલને પગલે વિરોધ નોંધાવતાં કૉસ્ટલ પ્રોજેક્ટ પાર પાડી રહેલી પાલિકાએ એવું વચન આપ્યું છે કે 2022માં પ્રોમેનેડને બહેતર કરીને પાછું અપાશે. પાલિકાએ એવો પણ ખુલાસો કર્યો છે કે અમે હાલમાં અમારી સાઈટ ઓફિસ ઊભી કરવા 300 મીટરનો પટ્ટો કામ પૂરું ન થાય ત્યાં સુધી અમારા હાથમાં રાખશું.
પાલિકાએ રહેવાસીઓનાં મનમાં ઊભા થયેલા ગૂંચવાડા માટે ગેરમાર્ગે દોરનારા સંદેશાને જવાબદાર ઠરાવ્યા હતા. પાલિકાએ એવું પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે કૉસ્ટલ રોડ તરફ જનારા માર્ગ જેટલો ફેરફાર સમુદ્રને લગોલગ આવેલા પદયાત્રીઓના ક્ષેત્રમાં કરાશે.
અમે ફક્ત 300 મીટરનો પટ્ટો વાપરીશું અને બાકીનું ક્ષેત્ર નાગરિક માટે ખુલ્લું હશે. આવો કૉસ્ટલ રોડ સમુદ્રની ભરણી કરીને બંધાશે.
12,000 કરોડ રૂપિયાનો કૉસ્ટલ રોડ પ્રોજેક્ટ બે તબક્કામાં 2020 સુધી તૈયાર કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer