રિયલ એસ્ટેટ : GST બારથી ઘટીને પાંચ ટકા થશે

રિયલ એસ્ટેટ : GST બારથી ઘટીને પાંચ ટકા થશે
નવી દિલ્હી, તા. 9 : જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં નિકાસકારો માટે હળવી ડયૂટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ટૅક્સમાં રાહતના પૅકેજની ચર્ચા થશે. જેમાં ટૅક્સ દર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની દરખાસ્ત છે. આ મિટિંગ લોકસભાની ચૂંટણી પહેલાંની આચારસંહિતાના અમલ પૂર્વે યોજાશે એમ સુમાહિતગાર સાધનો દ્વારા જાણવા મળે છે.
ખાસ તો ટેક્સ્ટાઈલ અને ગાર્મેન્ટ્સ નિકાસ ક્ષેત્રે સ્પર્ધાત્મક ક્ષમતામાં જે ઘસારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખીને કેન્દ્ર જીએસટીના ઓઠાં હેઠળ ડયૂટી ડ્રોબેક સ્કીમ માટેની દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે જેના થકી નિકાસકારોને વેરાઓના લાંઘણમાં વ્યાપક રાહત મળી રહેશે.
રિયલ એસ્ટેટની સમસ્યાઓ તપાસવા પ્રધાનોના સ્તરની એક સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ બંધાઈ રહેલાં ઘરો અને પરવડે એવાં ઘરો માટે વેરાના નીચા દરની જોરદાર હિમાયત કરશે.
હાલ તો જીએસટી હેઠળ બેઝિક કસ્ટમ્સ ડયૂટી સિવાયના વેરાઓ પર નિકાસકારોને વળતર અપાતું નથી ત્યારે ડાયરેક્ટોરેટ જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સને પાઠવેલા પત્ર પછી ડયૂટી ડ્રોબેક સ્કીમ તૈયાર કરાઈ છે જેમાં આ વિષયે રાહતની માગણી કરાઈ છે. આ પછી જીએસટી પૉલિસી વિંગને ડયૂટી ડ્રોબેક જેવી સ્કીમ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. જીએસટી અધિકારીઓ આ ઉપરાંત નિકાસકારો માટે પ્રસ્તાવિત ઈ-વોલેટ સ્કીમ અંગે ચર્ચા કરશે. આ દરખાસ્ત ગયા વર્ષે અૉક્ટોબર સુધીના છ માસ સુધી અટકાવી રખાઈ હતી.
વ્યાપાર મંત્રાલય આમ તો નિકાસકારોને ઈ-વોલેટ ઉપરાંત અન્યોમાં વધુ રાહત મળવા માટે આગ્રહી રહ્યું છે, પણ નાણામંત્રાલય કેટલાક લેભાગુ નિકાસકારો તેનો દુરુપયોગ કરે એની શક્યતા પરત્વે ચિંતિત છે એમ અન્ય બીજા એક અધિકારીએ જણાવ્યું હતું. નિકાસકારો માટે ઈ-વોલેટ સ્કીમ અંગેની આંતરપ્રધાનકીય મિટિંગ આગામી સપ્તાહ માટે નિર્ધારિત રખાઈ છે. જીએસટી કાઉન્સિલની 26મી મિટિંગ જે ગયા વર્ષે માર્ચમાં મળી હતી અને ત્યારથી કેટલાય ટેક્નિકલ, કાનૂની અને વહીવટી સ્તરીય પ્રશ્નો ઓળખી કઢાયા હતા જેના પર ચર્ચા થઈ હતી, પણ તેના અમલને અટકાવી રખાયો હતો. આ થકી નિકાસકારોની કામગીરી પર નજર રખાશે અને કાચા માલ પર જે વેરાઓ ચૂકવાયા છે તેમાં રાહત અપાશે.
દરમિયાન, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળ ગયા મહિને રચાયેલું પ્રધાનોનું ગ્રુપ બાંધકામ હેઠળની રહેણાકી મિલકતો માટે નીચા દરના વેરાઓની તરફેણમાં હોવાનું જણાય છે અને આ દર હાલના 12 ટકાથી ઘટાડી પાંચ ટકાનો કરવા અને પોષાણક્ષમ ઘરો પર હાલના આઠ ટકા પરથી ઘટાડી ત્રણ ટકા કરવાની દરખાસ્તની પેનલે તરફેણ કરી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer