અતિક્રમણોની ફરિયાદો તપાસવા વકફ બોર્ડની બે ટીમ

મુંબઈ, તા. 9 : વકફ બોર્ડની સંપત્તિઓ પર કરાયેલા અતિક્રમણની ફરિયાદો તપાસવા મહારાષ્ટ્ર રાજ્ય વકફ બોર્ડે 10-12 સભ્યોની બે નવી ટીમની રચના કરવાનો ઠરાવ મંજૂર કર્યો છે.
બોર્ડનું કાર્યક્ષેત્ર રાજ્યની બધી જ મુસ્લિમ ધાર્મિક સંપત્તિઓ છે. બોર્ડના સભ્ય ખાલીદ બાબુ કુરેશીએ કહ્યું હતું કે વકફ બોર્ડની ચિંતાઓ/ બાબતો હાથ ધરવાનું કામ મૂળ તો બોર્ડના અધિકારીઓનું છે. જોકે અનેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો  છે. આવા કેસો એન્ટી કરપ્શન બ્યૂરોને સોંપવામાં આવશે. બીજી બાજુ અતિક્રમણની ફરિયાદો તપાસવા નવી બે ટીમની રચના કરાશે.
1995ના વકફ કાયદાના અમલના ભાગરૂપે ચેરિટી કમિશનર પાસે રહેલી અનેક ઈસ્લામિક ધાર્મિક સંપત્તિઓ બોર્ડને ટ્રાન્સફર કરવાની બાબતની પણ ચર્ચા કરાઈ હતી.
મુંબઈમાં આવી 700 ફાઈલ ચૅરિટી કમિશનરના વિચારાધીન છે. અમે આ બાબતમાં વડી અદાલતમાં જવાનું નક્કી કર્યું છે એવી માહિતી કુરેશીએ આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer