સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વની સ્પષ્ટતા: ખરીદનારને બેદખલ કરી શકાય નહીં
નવીદિલ્હી, તા.10: સુપ્રીમ કોર્ટ દ્વારા એક ફેંસલામાં મહત્વની સ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું છે કે એવી વ્યક્તિ જે મિલકતની માલિક ન હોવા છતાં દગાથી કોઈ ત્રાહિતને વેંચી નાખે તો તેવા કિસ્સામાં મિલકત ખરીદનાર ગ્રાહકને કાનૂની રક્ષણ મળશે. તેને સંપત્તિમાંથી બેદખલ કરી શકાશે નહીં.
સુપ્રીમકોર્ટમાં અપીલકર્તાએ 1990માં જમીનનાં એક પ્લોટ ઉપર પોતાની માલિકીનો દાવો દાખલ કર્યો હતો. આ પ્લોટ તેણે પ્રણવ વોરા નામક એક શખસ પાસેથી ખરીદ્યો હતો. આ ખરીદી વખતે તેને જાણ કરવામાં નહોતી આવી કે એ જમીન ટોચમર્યાદામાં સરપ્લસ જાહેર થયેલો છે. જો કે ત્યાર બાદ એ જમીન સીલિંગમાંથી મુક્ત થઈ ગઈ હતી. જેને પગલે ગ્રાહકે તે જમીન પોતાનાં નામે કરાવી હતી. જો કે ચાર વર્ષ બાદ વેંચનાર એ મિલકતમાં ઘુસી ગયો હતો અને કબજો કરી લીધો હતો. ખરીદનારે પોતાની માલિકીનો દાવો દાખલ કર્યો હતો. જેમાં નીચલી અદાલતે તો તેનાં પક્ષમાં ચુકાદો આપ્યો પણ અપીલમાં તે ચુકાદો પલટાવી દેવામાં આવ્યો. આખરે સુપ્રીમ કોર્ટમાં ખરીદનારની તરફેણમાં ચુકાદો આવ્યો છે અને કોર્ટે તેમાં ગ્રાહકોનાં હિતની રક્ષા બાબતે સ્પટતા પણ કરી છે કે જો જમીન વેચનારનો અધિકાર ખામીયુક્ત હોય અને બાદમાં તે અધિકૃત ધોરણે તેનો માલિક બની જાય તો પણ તે પોતે એ જમીન વેંચી દીધા પછી તેનાં ઉપર પોતાનો દાવો કરવા અધિકૃત રહેતો નથી.