વોશિંગ્ટન, તા. 10 : ભાગ્યના દ્વાર ક્યારે ખૂલે તે ખબર નથી પડતી. ત્રણ દાયકા પહેલાં માત્ર 925 રૂપિયામાં ખરીદેલી વીંટી એક દિવસે કરોડપતિ બનાવી દેશે તેવી મહિલાને કલ્પના પણ નહીં હોય. ડેબ્રા નામની મહિલા જરૂર પડયે વીંટી વેચવા ગઈ ત્યારે તેની 68 કરોડ રૂપિયા કિંમત કરાઈ હતી.
ડેબ્રાએ કાચની વીંટી સમજીને 15 વર્ષથી તો તે પહેરવાનું પણ છોડી દીધું હતું. તેની માતા પાસેથી એક ઠગ પૈસા પડાવી જતાં અચાનક પૈસાની જરૂર પડી.
વીંટીની કિંમત કરોડોમાં હોવાની ખબર પડતાં જ તેની લિલામી કરાવી હતી. ઉપજેલી કિંમત અને તેના પર વેરા ભર્યા પછી ડેબ્રાને 40 કરોડ રૂપિયા મળ્યા.
પૈસાની જરૂર પડતાં મને લાગ્યું કે, થોડાક ડોલર મળશે તો કામ ચાલી જશે, પરંતુ કરોડોની કિંમત જાણ્યા પછી મારી ખુશીનો કોઈ પાર નથી તેવું ડેબ્રા કહે છે.