ચંદ્રાબાબુ પક્ષપલટો, ગઠબંધન કરવા સહિત દરેક બાબતમાં પાવરધા : મોદી

ચંદ્રાબાબુ પક્ષપલટો, ગઠબંધન કરવા સહિત દરેક બાબતમાં પાવરધા : મોદી
`મહામિલાવટ ક્લબ'ના દરેક સભ્ય ઉપર ભ્રષ્ટાચારના આરોપ : વડા પ્રધાન
ગંટુર (આંધ્ર પ્રદેશ), તા. 10 (પીટીઆઈ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ પ્રવાસની શરૂઆતમાં આંધ્રપ્રદેશના ગંટુરમાં રેલી સંબોધિત કરી હતી. જ્યાં લોકોને નવી પરિયોજનાઓની ભેટ આપવાની સાથે વિપક્ષ ઉપર પ્રહાર પણ કર્યો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ઉપર નિશાન તાકતાં મોદીએ કહ્યું હતું કે, મહામિલાવટ ક્લબના દરેક સભ્ય ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે અને આ ક્લબમાં ચંદ્રાબાબુ પણ જોડાયા છે. વિરોધ કરી રહેલા ટીડીપીના કાર્યકર્તાઓ ઉપર વ્યંગ કરતા મોદીએ કહ્યું હતું કે, ટીડીપીના નેતાઓ ગો બેકના નારા સાથે દિલ્હીમાં ફરી બેસવા કહે છે. આ લોકો પણ મને ફરી શાસન મળે તેવું ઈચ્છી રહ્યા છે.  
ચંદ્રાબાબુ નાયડુ ઉપર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું હતું કે, નાયડૂ સિનિયર છે એટલે તેમના સન્માનમાં કોઈ કમી રખાશે નહી. નાયડૂ પક્ષ બદલવામાં, ગઠબંધન કરવામાં, જીત બાદ હાર મેળવવામાં અને પોતાના જ સસરા (એનટી રામા રાવ)ની પીઠમાં ખંજર મારવામાં સિનિયર છે. આટલા સિનિયર અમે બન્યા નથી. મોદીએ ઉમેર્યું હતું કે, ચંદ્રાબાબુ પહેલા જેને ગાળો આપે છે તેના જ પક્ષમાં જોડાય છે.  અગાઉ ચંદ્રાબાબુ આંધ્રપ્રદેશના સન રાઈઝ (સુર્યોદય)ની વાત કરતા હતા પણ હવે પોતાના સન (પુત્ર)ના રાઈઝ માટે કવાયત કરી રહ્યા છે. પહેલા કોંગ્રેસ ફ્રી ઈન્ડિયાની વાત કરતા હતા અને હવે તે જ કોંગ્રેસનું સમર્થન કરે છે. 
મોદીએ કોંગ્રેસ ઉપર નિશાન તાકતાં કહ્યું હતું કે, 65 વર્ષમાં 5 કરોડ એલપીજી કનેક્શન અપાયા હતા. જ્યારે એનડીએ સરકારે પાંચ વર્ષમાં 16 કરોડ નવા કનેક્શન આપ્યા છે. જે લોકોએ દેશને ધુમાડામાં છોડયો હતો તે હવે દેશમાં જુઠ ફેલાવવા લાગ્યા છે. આ સાથે મોદીએ આંધ્રપ્રદેશમાં પેટ્રોલિયમ અને ગેસ સંબંધિત 6825 કરોડ રૂપિયાની બે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 
ચિદમ્બરમ પર પ્રહાર
તામિલનાડુના તિરૂપુરમાં જનસભા સંબોધિત કરતા મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને રિકાઉન્ટિંગ મિનિસ્ટર ગણાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ માને છે તેઓ દુનિયાના સૌથી જ્ઞાની વ્યક્તિ છે. 2009માં શિવગંગા લોકસભા ક્ષેત્રથી ચિદમ્બરમની ચૂંટણી વિવાદમાં રહી હતી. 16 મે, 2009ના રાતે ચિદમ્બરમને 3354 મતથી વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer