રાહુલે કહ્યું, ચૂંટણીજંગમાં અમે મોખરે રહીશું
નવી દિલ્હી, તા. 11: કોંગ્રેસના નવનિયુક્ત સચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પક્ષ પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનઉમાં 13 કિલોમીટર લાંબો રોડ શો કરીને રાજકારણમાં વિધિવત્ રીતે પદાર્પણ કર્યું હતું. રોડ શોમાં પ્રિયંકા સાથે રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોડાયા હતા. લખનઉ એરપોર્ટ ઉપરથી શરૂ થયેલો પ્રિયંકા ગાંધીનો રોડ શો કોંગ્રેસ કચેરીએ સમાપ્ત થયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાહુલે રોડ શો બાદ કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવવાની જવાબદારી પ્રિયંકા અને જ્યોતિરાદિત્યને સોંપી હોવાનું કહ્યું હતું.
લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મહત્ત્વની જવાબદારી સોંપી છે. ઉત્તર પ્રદેશની મુલાકાતની શરૂઆતે જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનઉ એરપોર્ટથી કોંગ્રેસ કચેરી સુધી 13 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રોડ શોની શરૂઆત અમૌસી સ્થિત ચૌધરી ચરણ સિંહ એરપોર્ટથી થઈ હતી. ત્યારબાદ કાનપુર રોડ, અવધ હોસ્પિટલ ચોક, નત્થા હોટલ, તિરાહા ચારબાગ થઈને કોંગ્રેસ કચેરીએ પહોંચી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ ભારતનું હૃદય છે. 2019ની લોકસભા બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સરકાર બનાવવાનું લક્ષ્યાંક છે. કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર જ રમશે બેક ફૂટ ઉપર રમશે નહીં.
પ્રિયંકા ગાંધીનો ઉત્તર પ્રદેશમાં મેગા રોડ શો
