ફરી એક સ્પોર્ટ્સ ફિલ્મમાં દેખાશે ફરહાન અખ્તર

ફરી એક સ્પોર્ટ્સ ફિલ્મમાં દેખાશે ફરહાન અખ્તર
રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ `ભાગ મિલ્ખા ભાગ'માં અભિનય કરનારો ફરહાન અખ્તર હવે તેમના દ્વારા બનનારી બીજી એક સ્પોર્ટ્સ ફિલ્મમાં પણ અભિનય કરશે. આ ફિલ્મ કોઇ રમતવીરના જીવન પર આધારિત નહીં હોય પરંતુ તેની કથા કાલ્પનિક છે. રાકેશે કહ્યું કે, આ કાલ્પનિક પ્રણયકથા છે. તેની પટકથા અંજુમ રાજાબાલીએ લખી છે. ફિલ્મમાં ફરહાન નાયકનું પાત્ર ભજવે છે, પરંતુ નાયિકા તરીકે કઇ અભિનેત્રીને લેવી તેનો નિર્ણય લેવાયો નથી. તે કોઇ નવોદિત પણ હોઇ શકે. હું સ્ટાર પાવર જોઇને કલાકારોને લેતો નથી. મારે મન પાત્ર મહત્ત્વનું હોય છે. કલાકાર પાત્રને અનુરૂપ લાગે તો જ હું લઉં છું. 
હવે રાકેશની ફિલ્મ `મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર' આવી રહી છે. આ ફિલ્મમાં ભારતના ગરીબોની દશા દેખાડવામાં આવી છે. રાકેશે કહ્યું હતું કે, ભારતના ગ્રામીણ ભાગમાં શૌચક્રિયા માટે જતી મહિલાઓ પર સૌથી વધુ બળાત્કાર થાય છે. જો ઘરઘરમાં શૌચાલય બંધાઇ જાય તો વિચારો કે ગુનાખોરીનો દર કેટલો નીચે જાય? મારી દરેક ફિલ્મમાં સામાજિક સંદેશ હોય છે. હું માત્ર મનોરંજન માટે ફિલ્મ બનાવતો નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer