છેવટે બાગી -3માં ટાઇગર શ્રોફ સાથે શ્રદ્ધા કપૂર

છેવટે બાગી -3માં ટાઇગર શ્રોફ સાથે શ્રદ્ધા કપૂર
ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ બાગી-3નું શૂટિંગ શિડયુલ નક્કી થઇ ગયું હતું પરંતુ અભિનેત્રી તરીકે કોને લેવી તેનો નિર્ણય લેવાતો નહોતો. આ ભૂમિકા માટે કેટલીક નવોદિત અભિનેત્રીઓનાં નામ પણ લેવાતાં હતાં. જોકે, છેવટે પસંદગીનો કળશ શ્રદ્ધા કપૂર પર ઢોળાયો છે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની બાગી સીરિઝની પ્રથમ ફિલ્મમાં પણ શ્રદ્ધા જ હતી. હવે ત્રણ વર્ષ બાદ ફરી તે આ શ્રેણી સાથે જોડાઇ છે. વળી પહેલી ફિલ્મની જેમ જ શ્રદ્ધા આ ફિલ્મમાં પણ બિનધાસ્ત યુવતી તરીકે જોવા મળશે અને એકાદ એકશન સીન પણ ભજવશે. શ્રદ્ધાએ ફિલ્મ સાઇન કરતા અન્ય કલાકાર કસબીઓને પણ પાનો ચડયો છે અને તેઓ મે મહિનામાં શૂટિંગ શરૂ કરશે. જો કે, આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અગાઉ શ્રદ્ધાએ સાહો, સ્ટ્રીટ ડાન્સર અને છીછોરેનું શૂટિંગ આટોપવું પડશે. હાલમાં તે પ્રબાસ સાથેની સાહોનું શૂટિંગ પતાવીને લંડનમાં સ્ટ્રીટ ડાન્સરનું શૂટિંગ કરવા ગઇ છે .40 દિવસના આ શિડયુલમાં તેની સાથે અભિનેતા વરુણ ધવન છે અને તેઓ ફિલ્મનાં ગીત અને મુખ્ય દૃશ્યોનું શૂટિંગ અહીં પૂરું કરશે. રેમો ડિસોઝાની આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં પૂરું થયા બાદ શ્રદ્ધા, સુશાંતસિંહ રાજપૂત સાથેની ફિલ્મ છીછોરેનું શૂટિંગ શરૂ કરશે. આ શૂટિંગ માત્ર દસ દિવસમાં પૂરું કરીને તે મે મહિનામાં બાગી-3ની ટીમ સાથે જોડાશે. નોંધનીય છે કે 2016માં આવેલી બાગી ફિલ્મને યુવા પ્રેક્ષકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer