ઇરાની ટ્રૉફી : વિદર્ભ સામે રેસ્ટના 330

ઇરાની ટ્રૉફી : વિદર્ભ સામે રેસ્ટના 330
વિહારીની સદી અને મયંકના 95 રન 
નાગપુર તા.12: ઇરાની ટ્રોફીના પ્રારંભિક દિવસે સારી શરૂઆત બાદ રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભ સામે 330 રને ઓલઆઉટ થઇ હતી. એક તબકકે રેસ્ટ ઓફ ઇન્ડિયાના 1 વિકેટે 171 રન હતા. આ પછી વિદર્ભે સફળ વાપસી કરી હતી.
ઇરાની ટ્રોફીના મેચનો આજે અહીં પ્રારંભ થયો હતો. રેસ્ટના સુકાની રહાણેએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું. રેસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી યુવા ટેસ્ટ બેટધર હનુમા વિહારીએ સદી કરી હતી. તે 211 દડામાં 11 ચોકકા અને 2 છકકાથી 114 રન કરીને આઉટ થયો હતો. જયારે મયંક અગ્રવાલ સદી ચૂકી ગયો હતો. તેણે 134 દડામાં 10 ચોકકા અને 3 છકકાથી 95 રન બનાવ્યા હતા.  સુકાની અંજિકયા રહાણે (13), શ્રેયસ અય્યર (19), ઇશાન કિશન (2) વગેરે નિષ્ફળ રહ્યા હતા. રેસ્ટ ઓફ ઇન્ડિયાની ઇલેવનમાં સૌરાષ્ટ્રના સ્ટાર સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાને તક મળી છે. બેટિંગમાં તે (6) નિષ્ફળ રહયો હતો. આવતીકાલે મેચના બીજા દિવસે વિદર્ભ સામે તેની બોલિંગમાં કસોટી થશે.વિદર્ભ તરફથી આદિત્ય સરવટે અને અક્ષય વખારેએ 3-3  તથા રજનીશ ગુરબાનીએ બે વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer