ટી-20 ક્રમાંકમાં જેમિમા અને સ્મૃતિનો જલવો બીજા અને છઠ્ઠા ક્રમે

ટી-20 ક્રમાંકમાં જેમિમા અને સ્મૃતિનો જલવો બીજા અને છઠ્ઠા ક્રમે
દુબઇ, તા. 12: ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાના આઇસીસી ટી-20 ક્રમાંકમાં ક્રમશ: બીજા અને છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ છે. ભારતીય મહિલા ટીમનો તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ટી-20 શ્રેણીમાં 0-3થી સફાયો થયો હતો. આમ છતાં જેમિમા અને સ્મૃતિના ક્રમાંકમાં ચાર નંબરનો ફાયદો થયો છે. જેમિમાએ ત્રણ મેચમાં 132 રન અને સ્મૃતિએ 180 રન કર્યાં હતા. આથી જેમિમા કેરિયરના બેસ્ટ બીજા અને સ્મૃતિ છઠ્ઠા નંબર પર આવી ગઇ છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મહિલા વન ડે બેટિંગ ક્રમાંકમાં સ્મૃતિ મંધાના નંબર વન પર છે.
ટી-20 બોલિંગ ક્રમાંકમાં ભારતીય સ્પિનર રાધા યાદવ 18 સ્થાનનો કુદકો લગાવીને 10મા ક્રમ પર પહોંચી છે. ન્યુઝીલેન્ડની સોફી ડેવાઇન 11મા નંબર પરથી આઠમા ક્રમ પર આવી ગઇ છે. દીપ્તિ શર્મા 14મા સ્થાન પર છે. ઓલરાઉન્ડરોની સૂચિમાં વેસ્ટ ઇન્ડિઝની ડિઅંડ્રા ડોટિન ટોચ પર યથાવત છે. ટીમ ક્રમાંકમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમ ઇંગ્લેન્ડને પાછળ રાખીને બીજા સ્થાને આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયા ટોચ પર અને ભારતીય ટીમ ટી-20 ફોર્મેટમાં પાંચમા ક્રમ પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer