બ્રાઝિલમાં બંધ તૂટતાં ખનિજ લોખંડમાં તેજીનાં ઘોડાપૂર

બ્રાઝિલમાં બંધ તૂટતાં ખનિજ લોખંડમાં તેજીનાં ઘોડાપૂર
ઈબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 12 : 25 જાન્યુઆરીએ બ્રાઝિલમાં બંધ તૂટ્યો અને તેજીનાં ઘોડાપૂર આવ્યાં ખનિજ લોખંડ બજારમાં. તાજેતરના ખનિજ લોખંડના ભાવવધારાને લીધે સંખ્યાબંધ દેશોમાં માળખાગત ફુગાવાવૃદ્ધિ અને આર્થિક વિકાસની ગતિ ધીમી પડી જવાની સંભાવના પણ એટલી જ વધી ગઈ છે. અફવા તો એવી પણ છે કે આયર્ન ઓરના ભાવ, 2014ના પ્રથમ અર્ધવાર્ષિકમાં હતા તેટલા, 100 ડોલર વટાવી જશે. ત્રણસો કરતાં વધુ માણસોનાં મોતનું નિમિત્ત બનેલી આ ઘટનાને પગલે જગતની બીજા નંબરની સૌથી મોટી ખનિજ લોખંડ ઉત્પાદક ખાણ કંપની વેલને બ્રાઝિલની અદાલતે તેના બ્રિકતુ શહેર નજીકની ખાણ બંધ કરવાના આદેશ આપ્યા બાદ કંપનીને તેના કેટલાક સોદા રદ કરવાની ફરજ પડી હતી.
તે અગાઉ વેલે તેના આવા જ બે બંધની સલામતી વધારવા ઉત્પાદનમાં 400 લાખ ટનના કાપની જાહેરાત કરી દીધી હતી. ચીનના ક્વીન્ગ્ડાઓ પોર્ટ પર બ્રાઝિલના અકસ્માત અગાઉ છેલ્લા 18 મહિનાથી 60થી 80 ડોલર વચ્ચે ટકેલા 62 ટકા બેન્ચમાર્ક ખનિજ લોખંડના હાજર ભાવ, ગુરુવારે 88.98 ડોલર બોલાયા હતા. 25 જાન્યુઆરીએ બંધ તૂટ્યો ત્યારના 75.40 ડોલર સામે આ ભાવ 15 ટકા કરતાં વધુ છે. સીએમઈ ગ્રુપના ગ્લોબેકસ એક્સચેન્જ પર આયર્ન ઓર ફેબ્રુઆરી વાયદો એક વર્ષમાં 29 ટકા વધીને 89.04 ડોલર મુકાયો હતો. 
આ વર્ષે જાગતિક ખનિજ લોખંડમાં મોટી ખાધ પડશે. જે ભાવને ટેકો આપશે. અલબત્ત, અર્થતંત્રોના વિકાસની ગતિ ધીમી પડવાથી 2019માં સ્ટીલની માગ ઘટવાની સંભાવના પણ છે, તેમ છતાં એનાલિસ્ટો માને છે કે ભારત અત્યારે ખનિજ લોખંડનું આયાતકાર બની રહ્યું હોવાથી ભાવ નીચે જતા અટકશે. પાંચ વર્ષ અગાઉ ભારત 10 કરોડ ટન ઓછા ગ્રેડના ખનિજ લોખંડની નિકાસ કરતો હતો.
ચીનની માગ અને ભારતની આયાતને ધ્યાનમાં લઈએ તો આ વર્ષે બજારમાં 100 લાખ ટનની પુરવઠા ખાધ પેદા થવાનો ક્યાસ મૂકવામાં આવે છે. એએનઝેડ બેન્કે આ અગાઉ કેટલીક ઘટનાને ધ્યાનમાં રાખીને ટૂંકાગાળામાં ભાવવૃદ્ધિની આગાહી કરી હતી. સ્ટીલનું ઉત્પાદન ચીનના અર્થતંત્રની હાલતનું અનુમાન કરવા માટેનું મુખ્ય સાધન ગણવામાં આવે છે. ચીન સરકારે 2017ની તુલનાએ 2018મા સ્ટીલ ઉત્પાદનનો અંદાજ 11 ટકા વધુ 9230 લાખ ટન મૂક્યો છે. 
ઓકટોબરમાં 825.52 લાખ ટન સ્ટીલ ઉત્પાદન કરીને ચીને અગાઉના તમામ વિક્રમો તોડી નાખ્યા હતા. આ ઘટના ચીનનું અર્થતંત્ર ધીમું પડી રહ્યાના દાવા ખોટા સાબિત કરે છે. ચીને ગતવર્ષે 2580 લાખ ટન સ્ટીલ વાપર્યું હતું, જે આખા જગતના કુલ વપરાશના 33 ટકા જેટલું હતું. આ વર્ષની સ્ટીલ માગનું અનુમાન 3100 લાખ ટન મૂકવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ કે ખનિજ લોખંડની તેજી હવે ઘોડેસવારી કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer