પુણેમાં કપાસના કચ્છી વેપારીને બાનમાં રાખીને રૂપિયા 5.70 લાખ લૂંટનારા પાંચ ઝડપાયા

પુણે, તા. 12 (પીટીઆઇ) : પુણેમાં કપાસના વૃદ્ધ વેપારી અને ત્રણ જણને બાનમાં રાખીને 5.70 લાખ રૂપિયાની માલમતા લૂંટી લેનારા પાંચ જણની પોલીસે ધરપકડ કરી છે.
પુણેના ડેક્કન વિસ્તારમાં આપટે રોડ પર રહેતા 79 વર્ષના હંસકુમાર ખીમજી, તેમનાં 63 વર્ષનાં ભાભી હેમા છેડા અને બે નોકરોને સશસ્ત્ર લૂંટારાઓએ ગઈ 16 જાન્યુઆરીએ કલાકો સુધી બાનમાં રાખ્યાં હતાં અને 5.70 લાખ રૂપિયાની માલમતા લૂંટી લીધી હતી. આ પ્રકરણ અંગે પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ પરિવારના ડ્રાઇવરના પુત્ર દીપક શિવાજી મેંડગે (37), કિરણ તાવડે (36), પારસ સોલંકી (27), સચિન ડિસોઝા (28) અને ગણેશ ગોરે (24)ની ધરપકડ કરી છે. આ પ્રકરણના અન્ય બે આરોપીઓ હજી 
નાસતા ફરે છે. પોલીસ બન્નેને શોધી રહી છે.
હંસકુમાર ખીમજી પુણેમાંનો તેમનો બંગલો વેચવાના હતા એ અંગેની વાત ડ્રાઇવર શિવાજી મેંડગેએ પોતાના પરિવારમાં કરી હતી. તેના પુત્ર દીપકને લાગ્યું કે બંગલો વેચાઈ ગયો હશે 
એટલે એના કરોડો રૂપિયા ખીમજીભાઈના ઘરમાં હશે. એટલે દીપક સાગરીતોની મદદથી 16 જાન્યુઆરીએ ઘર પર ત્રાટક્યો હતો. પુણેમાં બાનમાં પકડાયેલા ખીમજીએ તેમની મુંબઈની શાખાને ડ્રાઇવર સાથે આવેલા લૂંટારાને એક કરોડ રૂપિયા રોકડા લેવા મોકલ્યો હતો. જોકે લૂંટારાઓ સહેજ શિથિલ થતાં ખીમજીએ બૂમાબૂમ કરી મૂકતાં લૂંટારાઓ 5.70 લાખ રૂપિયાની મતા લઈને નાસી છૂટયા હતા. ત્યાર બાદ ખીમજી સાથે કારમાં પુણેથી મુંબઈ આવવા નીકળેલા લૂંટારાઓને પણ તેઓએ નાસી જવાનું કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer