શાસક-વિપક્ષના હોબાળા વચ્ચે ફાઇનાન્સ બિલ-2019 લોકસભામાં પાસ

નવી દિલ્હી, તા. 12 : વિપક્ષોના હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે આજે લોકસભામાં ફાઇનાન્સ બિલ 2019 પાસ કરાવ્યું હતું. સરકારે સાડા ચાર વર્ષમાં દેશની પ્રગતિ માટે જરૂરી તમામ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે, એવા સરકારના દાવા વચ્ચે ફાઇનાન્સ બિલની  લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષોએ `કહાં હૈ અચ્છે દિન?' એવા સૂત્રોચ્ચાર પણ ગજાવ્યા હતા અને સરકાર પર ખેડૂતો અને બેરોજગારોના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કૉંગ્રેસના સભ્ય કે. સી. વેણુગોપાલે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે સાડા ચાર વર્ષમાં કંઈ જ નથી કર્યું અને હવે ભવિષ્યના ખોટાં સપનાં બતાડી રહી છે. `અચ્છે દિન આયેંગે'ના સૂત્રનું શું થયું? નાણાપ્રધાન પીયૂષ ગોયલ બેરોજગારી અને ખેડૂતોની હકીકત વિશે અજાણ છે અને ઠાલાં વચનો જ આપી રહ્યાં છે.
સરકાર તરફથી વિપક્ષોના આક્ષેપોને નકારતા ભાજપના સંસદસભ્ય નિશિકાંત દુબેએ કહ્યું હતું કે ખોટી દૃષ્ટિ હોય તેને બધું ખોટું જ દેખાય. આજે દેશની આર્થિક ઉન્નતિ દુનિયાભરમાં વખણાઇ રહી છે અને મોદી સરકારે નાના ઉદ્યોગો અને ખેડૂતોને લાભકારી અનેક યોજનાઓનો લાભ પહોંચાડયો છે, તે કેમ નથી દેખાતું?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer