રવિ પૂજારી પછી હવે કોનો નંબર?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : અન્ડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીને આફ્રિકાના સેનેગલથી ઝડપી લીધા બાદ તેને ભારતમાં લાવવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પૂજારી બાદ હવે કોનો નંબર લાગશે એ પ્રશ્ન હાલમાં ગુનાખોરીની દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના એક અૉફિસરે જણાવ્યા મુજબ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની આખી ટોળકી વિદેશમાં છે અને `ડી' કંપની સિવાયના અનેક અન્ડરવર્લ્ડ ડૉન અલગ-અલગ દેશોમાં રહીને મુંબઈનો કારભાર સંભાળે છે. છેલ્લાં અનેક વર્ષોથી આ ગૅન્ગસ્ટરોને પકડવાના પ્રયત્ન થઈ રહ્યા હોવા છતાં હજી સુધી મુંબઈ પોલીસને એમાં સફળતા મળી નથી.
જે અન્ડરવર્લ્ડ ડૉન વિદેશમાં છે તેઓમાં ગુરુ સાટમનો પણ સમાવેશ છે. ગુરુ સાટમ અગાઉ છોટા રાજનની ટોળકીમાં હતો. ગયા મહિને મુંબઈ પોલીસે તેના ખાસ માણસ ગણાતા કૃષ્ણકુમાર નાયરની અટક કરી હતી.
વિદેશમાં રહીને પોતાનો વહીવટ ચલાવતો પ્રસાદ પૂજારી ગુરુ સાટમથી વધુ સક્રિય હોવાનું અન્ડરવર્લ્ડ નેટવર્કની માહિતી ધરાવનાર નિવૃત્ત પોલીસ અૉફિસર પ્રફુલ્લ ભોસલેએ કહ્યું છે. પ્રસાદ પૂજારી `િવક્રોલીનો છોકરો' છે. તે અગાઉ કુમાર પિલ્લઈ માટે કામ કરતો હતો. ત્યાર બાદ તેણે પોતાની સ્વતંત્ર ટોળકી બનાવી હતી. જોકે એ પૂર્વે તેણે બંટી પાંડે અને રવિ પૂજારી માટે કામ કર્યું હતું.
એજાઝ લાકડાવાલા પણ મુંબઈ પોલીસના ટાર્ગેટ પર છે. એ ઉપરાંત રવિ પૂજારીની માફક અન્ય એક ડૉન સુરેશ પૂજારીએ આપેલી ધમકીના ફોનની અૉડિયો-ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે તથા પ્રફુલ્લ ભોસલેએ આપેલી માહિતી મુજબ વિદેશમાં રહેતો વિજય તાંબટ પણ પોલીસના ટાર્ગેટ પર છે. તાંબટનું મૂળ નામ વિજય સાળવી છે અને તે સિંગાપોરમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
મુંબઈ પોલીસ જેને શોધી રહી છે એ વિજય શેટ્ટી બૅન્ગકૉકમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. વિજય શેટ્ટીએ જ ભરત નેપાલીને ઠાર કર્યો હતો. સપ્ટેમ્બર 2000માં બૅન્ગકૉકમાં થયેલા શૂટઆઉટ બાદ છોટા રાજનને હૉસ્પિટલમાંથી ભાગી જવામાં ભરત નેપાલી અને સંતોષ શેટ્ટીએ મદદ કરી હતી. ત્યાર બાદ નેપાલી અને સંતોષ શેટ્ટી છેટા પડી ગયા હતા. જોકે ત્યાર બાદ છોટા રાજન ઇન્ડોનેશિયામાં હતો ત્યારે તેને અબુ સાવંતે સાથ-સહકાર આપ્યો હતો. વિદેશમાં છોટા રાજનની અનેક હૉટેલોનો વહીવટ અબુ સાવંત સંભાળતો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer