મંચ પર નીતિન પટેલને છેલ્લું સ્થાન કેમ ?

અમદાવાદ, તા. 12 : `મેરા પરિવાર ભાજપ પરિવાર' કાર્યક્રમમાં મંચ પર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને છેલ્લું સ્થાન અપાતાં તેમની અવગણનાની ફરી ચર્ચા શરૂ થઈ છે. સરકારના સંકટમોચક બનીને ઊભરતા નીતિનભાઈની ભાજપ સતત અવગણના કરતો આવ્યો હોવા છતાં તેમણે એ સ્વીકારી લીધું હોય એમ જણાય છે. ગુજરાતમાં નીતિનભાઈ પાટીદાર સમાજના કદાવર નેતા ગણાય છે. આશાબહેનને ભાજપમાં લાવવામાં નીતિનભાઈનો સિંહફાળો હોવા છતાં પણ તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવતા હોવાનું પહેલી નજરે દેખાય છે છતાં તેઓ ચૂપચાપ બેસી રહ્યા હતા અને ફોટો અને વિડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા.
ભાજપનાં વર્તુળોમાં સતત થતી ચર્ચાઓ અનુસાર આવું એક વાર નથી થયું, અનેક વાર ભાજપે નીતિનભાઈનું અપમાન કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં હેલિપૅડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં પણ નીતિન પટેલ સાથે અન્યાય કર્યો હોવા છતાં તેઓ ચૂપચાપ રહ્યા હતા. મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવા માટે રવાના થયા ત્યારે ઇલેક્ટ્રિક ગાડીમાં ફક્ત મોદી અને રૂપાણી જ બેઠા હતા, જ્યારે નીતિનભાઈને એકલા છોડી દેવાયા હતા. આખરે એક અધિકારી સાથે વાતો કરતાં નીતિનભાઈ બહાર નીકળી ગયા હતા. ટ્રેડ શોના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ધીરે-ધીરે ચાલતો હોવાથી પાછળ રહી ગયો હતો. વી. એઁસ. હૉસ્પિટલના ઉદ્ઘાટનના આમંત્રણકાર્ડમાં પોતાનું નામ ન હોવાનો કડવો ઘૂંટ પી જનારા નીતિનભાઈએ સ્પષ્ટતા કરી હતી કે મારા નામનું કોઈ મહત્ત્વ નથી. નામ હોય કે ન હોય, કોઈ ફરક પડતો નથી. હું કોઈનાથી નારાજ પણ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer