સ્વાઇન ફ્લૂ : હાઈ કોર્ટનું કડક વલણ

23 જિલ્લામાં આઇસોલેશન વૉર્ડ શરૂ કરવાનો સરકારને આદેશ 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12: ગુજરાતમાં સતત વકરતા જતા સ્વાઇન ફ્લુ નામના રોગચાળા સંદર્ભે આજે ગુજરાત હાઈ કોર્ટે રાજ્યસરકારની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 23 જિલ્લામાં સોમવાર સુધીમાં આઇસોલેશન વૉર્ડ શરૂ કરે. સ્વાઇન ફ્લુને અટકાવવા માટે રાજ્ય સરકારે કયાં અને કેવા પ્રકારનાં પગલાં લીધાં છે એનો અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં સિવિલ હૉસ્પિટલમાં કયાં-કયાં ઉપકરણો છે અને એના દ્વારા દરદીઓને કેવી રીતે સારવાર આપવામાં આવી રહી છે એની માહિતી આપવામાં આવે. હાઈ કોર્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલોને ફક્ત કમાણી કરવામાં જ રસ છે. 
દરમિયાન રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લુ ડામવા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે 3 કરોડ 87 લાખ લોકો સુધી પહોંચ્યા હતા. સ્વાઇન ફ્લુ સૌથી વધુ શિયાળા અને ચોમાસામાં ફેલાય છે. ચાલુ વર્ષે 55 દરદીઓનાં સ્વાઇન ફ્લુથી મોત થયાં હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. સરકારે હાઈ કોર્ટમાં કહ્યું કે 567 દરદીઓ હાલમાં સારવાર હેઠળ છે. 1 જાન્યુઆરીથી આજ સુધી 1431 કેસ નોંધાયા હતા જે પૈકી 809 લોકો રોગમુક્ત થયા હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે હાઈ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે અમે પૂરતી સંખ્યામાં સુવિધા ઉપલબ્ધ છે કે નહીં એ જાણવા માગીએ છીએ. રાજ્ય સરકારના વિવિધ સેન્ટરમાં પૂરતો સ્ટાફ, લૅબોરેટરી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં એવો સવાલ પણ હાઈ કોર્ટે કર્યે હતો.
હાઈ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા સ્વાઇન ફ્લુ સંબંધે કરેલી કામગીરી અંગે માહિતી આપવા માટે એક પત્રકાર-પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર-પરિષદમાં રાજ્યના આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે 2019માં અત્યાર સુધીમાં 567 દરદીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 55 દરદીઓનાં મૃત્યુ થયાં છે જે 3.57 ટકા મૃત્યુઆંક દર્શાવે છે. સ્વાઇન ફ્લુની બીમારીમાં અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડ છે જે એક સપ્તાહ સુધી હજી ચાલે એવી આશંકા છે અને આ આ એક સપ્તાહ સુધી હજી મરણાંકનો આંકડો વધે એવું જોવા મળી શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer