આવતા વર્ષે એપ્રિલમાં દોડતી થઈ જશે નવી મુંબઈ મેટ્રો ટ્રેન

આવતા વર્ષે એપ્રિલમાં દોડતી થઈ જશે નવી મુંબઈ મેટ્રો ટ્રેન
મુંબઈ, તા. 12 : બેલાપુરથી પેંધર રૂટ પર દોડનારી મૅટ્રો રેલવેના ડબા ચીનથી રવાના થઈ ચૂક્યા છે અને આ મહિનાના અંત સુધીમાં તે મૅટ્રોના તળોજા ખાતેના કારશેડમાં દાખલ થશે, એવી માહિતી સિડકોના અધિકારીઓએ આપી હતી.
આ મૅટ્રો રૂટનાં સ્ટેશનોના પાટા, સિગ્નલ યંત્રણા અને એક્સીલેટરનું કામ અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે અને એપ્રિલ-2020માં નવી મુંબઈ મૅટ્રો દોડતી થઈ જશે એવી શક્યતા આ અધિકારીઓએ વ્યક્ત કરી હતી.
ગત નવેમ્બર મહિનામાં નેરુલ-ખારકોપર રેલવેનું ઉદ્ઘાટન કરવા આવેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સિડકોના અધ્યક્ષ વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરને આગામી વિધાનસભ્યની ચૂંટણી પહેલાં નવી મૅટ્રો પાટા પર જોઈએ એવી તાકીદ કરી હતી. એના પગલે ઠાકુરે તત્કાળ સિડકોના અધિકારીઓ સાથે જઈને મૅટ્રોનાં બધાં સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું અને દિવાળી પહેલાં મૅટ્રોનું કામ પૂરું કરવાનો આદેશ આપ્યો હતો.
હાલ 11 સ્ટેશનો પૈકી પેંધરથી ખારઘર સુધીનાં છ સ્ટેશનોનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને કેન્દ્રીય વિહારથી બેલાપુર સુધીનાં પાંચ સ્ટેશનોનું કામ પુરજોશમાં ચાલુ છે અને આ રૂટ પર દોડનારી મૅટ્રોનાં છ ડબા ચીનથી રવાના થઈ ચૂક્યા છે.
એક ડબાની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ વર્ષના ડિસેમ્બર સુધીમાં બધાં કામ પૂર્ણ કરીને ટ્રાયલ બાદ માર્ચ 2020માં મૅટ્રો ટ્રેન દોડતી થઈ જશે, એવો દાવો સિડકોના અધિકારીઓએ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer