મુંબઈ પોલીસના માથે આવી વિચિત્ર ચૅલેન્જ

મુંબઈ પોલીસના માથે આવી વિચિત્ર ચૅલેન્જ
ગુલો જાનના પરિવારને એ શોધી શકશે?
મુંબઈ, તા. 12 : પાકિસ્તાનની જેલમાં બંધ એક ભારતીય મહિલાએ મુંબઈ પોલીસને માથું ખંજવાળતી કરી દીધી છે. આ મહિલાએ તેનું નામ ગુલો જાન આપ્યું છે અને એવું કહ્યું છે કે તે મુંબઈમાં `જલીન્ધર'ની રહેવાસી છે. તે માનસિક રીતે અસ્થિર હોવાથી તેણે પોતાનું વિગતવાર એડ્રેસ આપ્યું નથી. સરકાર પહેલાં તેનું નાગરિકત્વ તપાસી રહી છે અને એ પુરવાર થશે એ બાદ તેને ભારતીય તરીકે સ્વીકારાશે.
આ કામ મુંબઈ પોલીસને માથે આવ્યું હોવાથી તેમના માટે તેનું ઘર અને પરિવાર શોધવાનું ઘાસની ગંજીમાંથી સોય ગોતવા જેવું કપરું કામ છે. મુંબઈ પોલીસને તેની તસવીર અને કોન્સ્યુલર મુલાકાત દરમિયાન ભારતીય અધિકારીઓને જે માહિતી મળી હતી એ માહિતી છે. આ મહિલાનાં માતા-પિતાનું નામ રાજકુમાર અને યાસમીન છે અને તેને ચાર બહેનો અને ત્રણ ભાઈ છે. આ મહિલાને બે દીકરા અને બે દીકરી છે. આ મહિલાએ તેના પતિનું નામ પણ `જલીન્ધર' આપ્યું હોવાથી મુંબઈ પોલીસ વધુ ગુંચવાઈ છે.
મુંબઈ પોલીસના એક અૉફિસરે કહ્યું હતું કે અમને જે માહિતી આપવામાં આવે છે તે આધારભૂત છે કે કેમ એની અમને ખબર નથી. આમ છતાં અમને જે ડિટેલ્સ આપવામાં આવી છે એના પર અમે કામ કરી રહ્યા છે. સૌથી પહેલાં અમે ગૂગલ મેપની મદદથી લોકેશન શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને મુંબઈમાં `જલીન્ધર' નામનો વિસ્તાર અમને મળ્યો નહોતો.
ગુલો જાનની જેમ માનસિક રીતે અસ્થિર હોય એવા 31 ભારતીયો પાકિસ્તાની જેલમાં બંધ છે. આ બધા ભારતીય છે કે કેમ તેની તપાસ ચાલુ છે.
મુંબઈમાં ગુલો જાનના પરિવારને શોધવાની જવાબદારી સ્પેશિયલ બ્રાંચ (યુનિટ-1)ને આપવામાં આવી છે. સ્પેશિયલ બ્રાંચને 19 જાન્યુઆરીના જવાબદારી મળી એ બાદ તેણે મુંબઈના લગભગ તમામ એટલે કે 94 પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તપાસ કરી હતી. કોઈ પોલીસ સ્ટેશનમાં મિસિંગ કમ્પલેન્ટ નોંધાઈ હતી કે કેમ એની ચકાસણી પણ અમે કરી રહ્યા છીએ.
ભારતીય હાઈ કમિશનની વેબસાઇટ પર ગુલો જાનની જે માહિતી મૂકવામાં આવી છે તે મુંબઈ પોલીસને આપવામાં આવેલી માહિતી સામે મેચ થતી નથી. વેબસાઇટ પર ગુલો જાન દિલ્હી કે હરિયાણાની હોવાનું બતાવવામાં આવ્યું છે. એના પતિનું નામ નંદરાજ અને માતા-પિતાનું નામ ચોમુ અને ગાયત્રી લખવામાં આવ્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer