નર્મદા જિલ્લાના ભદામ ગામના ખેડૂતો

નર્મદા જિલ્લાના ભદામ ગામના ખેડૂતો
કેળના થડના રેસામાંથી સાડી અને સેનિટરી નેપ્કિન બનાવે છે  
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા.12 : ગામડાના લોકોને રોજીરોટી મળી રહે તેમ જ કેળાની સાથે તેના થડનો પણ ઉપયોગ થાય તે હેતુથી શહેર તેમ જ રાજપીપળાના બાગાયત ઓફિસરે ખેડૂતોને કેળના થડના રેસામાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેથી છેલ્લા છ મહિનાથી નર્મદા જિલ્લાના ભદામ ગામના 25 ખેડૂતો કેળના થડના રેસામાંથી વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છે.
રાજપીપળા જિલ્લામાં આઠ હજાર હેકટર જમીનમાં કેળાની ખેતી થાય છે અને ચારથી પાંચ હજાર વસ્તી ધરાવતા ભદામ ગામના ખેડૂતો પણ કેળાની ખેતી પર નિર્ભર છે. ભદામ ગામના મુખ્ય કાર્યકર્તાએ જણાવ્યું કે, ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં ઘણા લોકો કેળાના રેસામાંથી હેન્ડીક્રાફટની વસ્તુઓ બનાવે છે. પરંતુ કેળના થડના રેસમાંથી સાડી અને સેનેટરી નેપકીન બનાવનાર અમે પ્રથમ છીએ. ઉપરાંત થડમાંથી જે પાણી નીકળે તેમાંથી અમે લીકવીડ ફર્ટીલાઈઝર બનાવી રહ્યા છીએ. 
કેળનું એક થડ 80 થી 90 કિલો વજનનું હોય છે જે 14 લેયરથી બનેલું હોય છે. બહારનું પ્રથમ લેયર કાઢી નાખ્યા બાદ તમામને ઉપયોગમાં લઈ શકાય છે અને સૌથી અંદરનો ભાગ ખાવામાં પણ ઉપયોગ થાય છે. એક થડમાંથી 30 લિટર પાણી અને દોઢથી બે કિલો રેસા નીકળે છે. આ રેસામાંથી બે સાડી બની શકે છે. સાડી બનાવવા માટે કેળાના થડમાંથી રેસાને અલગ કરી ટવીસ્ટ કર્યા બાદ સિલ્ક અથવા કોટન સાથે મિકસ કરી કેળના જ થડમાંથી નીકળેલા પાણીમાં પલાળીને મશીનમાં સાડી તૈયાર કરવામાં આવે છે. એક અઠવાડિયામાં એક સાડી તૈયાર થાય છે. કેળાના રેસા ગરમ પ્રકૃતિના હોય છે એટલે આ સાડી શિયાળામાં હૂંફ આપે છે. 
કેળના થડના રેસામાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે 30 લોકોનો સ્ટાફ છે જેમાં ડુંગર વિસ્તારની 8 મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અનિલભાઈએ કેળના થડના 500 ગ્રામ રેસામાંથી અઢી ફૂટનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer