અખિલેશને ઍરપોર્ટ પર રોકતાં હોબાળો

અખિલેશને ઍરપોર્ટ પર રોકતાં હોબાળો
કાર્યકરોના દેખાવો બાદ પોલીસનો લાઠીચાર્જ
નવી દિલ્હી, તા. 12 : અલ્લાહાબાદ યુનિવર્સિટીના શપથગ્રહણ કાર્યક્રમમાં જઈ રહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવને હવાઈ મથકે રોકવામાં આવતાં રાજકીય હંગામો સર્જાયો છે. સપા નેતાને રોકાતાં હવાઈ મથકે પોલીસ, પ્રશાસન અને તેમના વચ્ચે જીભાજોડી પણ થઈ હતી. હવાઈ મથકની બહાર એકત્ર સપા કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. ઘટનાનો પડઘો યુપી વિધાનસભામાં પણ પડ્યો હતો, જ્યાં પક્ષના ધારાસભ્યોએ દેકારો મચાવ્યો હતો.  યુનિ. ખાતે દેખાવો દરમ્યાન એક સાંસદને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.
લખનૌ હવાઈ મથકે તેમને રોકવામાં આવ્યા બાદ અખિલેશે ટ્વિટ કરી હતી કે યુપીની યોગી આદિત્યનાથ સરકારે તેમને હવાઈ મથકે રોકી લીધા છે અને તેમને પ્રયાગરાજ જવા દેવામાં આવતા નથી. અલ્લાહાબાદ યુનિવર્સિટીના છાત્રસંઘના વાર્ષિકોત્સવને લઈને પણ તંગદિલીનો માહોલ છે. સમાજવાદી છાત્ર સભાએ અખિલેશ યાદવને કાર્યક્રમના મુખ્ય અતિથિ બનાવ્યા હતા, પરંતુ યુનિવર્સિટીએ આ કાર્યક્રમ પર રોક લગાવી દીધી હતી.
અખિલેશને રોકાયા બાદ સમાજવાદી પાર્ટીએ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દેખાવો કર્યા હતા. આ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ કરતાં બદાયૂંના સાંસદ ધર્મેન્દ્ર યાદવને ઈજા પહોંચી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer