કૉંગ્રેસ પાસે નીતિ અને નેતા નથી : અમિત શાહ

કૉંગ્રેસ પાસે નીતિ અને નેતા નથી : અમિત શાહ
ગુજરાતની તમામ બેઠકો જીતવાનો ભાજપનો સંકલ્પ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12 : અમદાવાદમાં `મેરા પરિવાર, ભાજપ પરિવાર' અભિયાનના શ્રીગણેશ સાથે ગુજરાતની લોકસભાની તમામ  26 બેઠકો જીતવાનો સંકલ્પ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે લોકસભા ચૂંટણીના વિધિવત્ પ્રચારનો આરંભ કર્યો હતો. તેમણે ભાજપના કાયત્રોને `ભારત માતા કી જય'ના નારા સાથે કહ્યું કે આજથી ભાજપે 2019ના ચૂંટણીપ્રચારની શરૂઆત કરી છે. 
અમદાવાદમાં અમિત શાહે પોતાના થલતેજના નિવાસસ્થાન રૉયલ ક્રેસન્ટ ખાતે ભાજપનો ધ્વજ ફરકાવીને  `મેરા પરિવાર ભાજપ પરિવાર' અભિયાનના શ્રીગણેશ કર્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના શુભારંભના અવસરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ જિતુભાઈ વાઘાણી અને મોટી સંખ્યા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ થલતેજથી બોડદેવસ્થિત પંડિત દીનદયાળ હૉલ સુધી રૅલી યોજાઇ હતી, જે બાદમાં સભામાં પરિવર્તિત થઈ હતી. અમિત શાહે કહ્યું હતું કે દેશભરમાં આજે ભાજપના પાંચ કરોડ કાર્યકરો પોતાના ઘર પર ભાજપનો ઝંડો લહેરાવીને નરેન્દ્ર મોદી માટેનું સમર્થન જાહેર કરશે. આટલા કાર્યકરો તેમના પરિવાર સાથે ભાજપને સમર્થન આપે છે એનો અર્થ એ છે કે ગઈ ચૂંટણી કરતાં પણ વધારે મતથી આ વખતે ભાજપ ચૂંટણી જીતશે. આશરે એક કલાકમાં 92,000 લોકોએ પોતાના ઘર પર ઝંડો ફરકાવીને ભાજપને સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું. 
અમિત શાહે કહ્યું કે ભાજપની સરકારે સરકારી કાર્યક્રમોથી દેશના 22 કરોડ પરિવારને મદદ કરી છે. દેશના 50 કરોડ પરિવારોને મોદી કૅર આયુષ્માન ભારત અભિયાનથી મદદ કરી છે. હજી ઘણા લોકો અને પરિવારને મહત્ત્વની સુવિધા આપવાની બાકી છે એટલે આ લોકોને પણ મદદ મળે એ માટે મોદી સરકારને વોટ આપવા માટે લોકોને સમજાવવાનો કાર્યક્રમ પણ યોજાશે. 
કૉંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે અત્યારે સોશિયલ મીડિયા પર એક જોક ચાલી રહ્યો છે કે ગઠબંધનની સરકાર આવી તો સપ્તાહના દરેક દિવસે અલગ-અલગ પ્રાઇમ મિનિસ્ટર હશે. આટલો મોટો દેશ ગઠબંધનથી કઈ રીતે ચાલી શકે? એક પરિશ્રમી, પ્રામાણિક, ગતિશીલ નેતૃત્વ જો દેશને મળે તો કઈ રીતે દેશને આગળ લઈ જવાય એ અમે કરી બતાવ્યું. કૉંગ્રેસ પાસે નેતા નથી કે કોઈ નથી નીતિ. 
તેમણે એમ પણ કહ્યું કે યુપીએ સરકારે દેવામાફીના નામે ખેડૂતો સાથે માત્ર મજાક કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે યોજનાઓ બનાવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer