રાહુલે મોદીને અનિલ અંબાણીના અને પ્રસાદે રાહુલને વિદેશી કંપનીના વચેટિયા કહ્યા

રાહુલે મોદીને અનિલ અંબાણીના અને પ્રસાદે રાહુલને વિદેશી કંપનીના વચેટિયા કહ્યા
હકીકતો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે : રિલાયન્સ ડિફેન્સ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : રફાલ સોદા વિવાદમાં એક ઈમેલને ટાંકીને રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર એક વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે. રાહુલે જણાવ્યું હતું કે આ ઇમેલમાં એવો ઘટસ્ફોટ થાય છે કે  અનિલ અંબાણીએ પેરીસની મુલાકાત લીધી હતી અને ફ્રાંસ સાથે 36 રફાલ વિમાનના સોદાની જાહેરાત કરવા વડા પ્રધાન ગયા તેના 10 દિવસ પહેલાં અંબાણી ફ્રાંસના વિદેશ પ્રધાનને મળ્યા હતા. આ સોદાની અનિલ અંબાણીને ખબર હતી પરંતુ સંરક્ષણ પ્રધાન અને વિદેશ સચિવને ખબર નહોતી. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સે તરત જ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જાણીજોઈને હકીકતોને મરોડવામાં આવી છે અને વાસ્તવિકતાની અવગણના કરવામાં આવી છે. અનિલ અંબાણીએ ફ્રાંસની મુલાકાત રફાલ જેટ ફાઇટરો માટે નહિ પણ હેલિકૉપ્ટરો માટે લીધી હતી.
`વડા પ્રધાને દેશની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે, તેમણે જાસૂસો કરે તેવું કામ કર્યું છે' એમ રાહુલે જણાવ્યું હતું. 
રાહુલ પર ભાજપના પ્રહાર
ભાજપે આજે રફાલ સોદાના મુદ્દે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કરેલા પ્રહારોનો જવાબ આપતાં રાહુલને જૂઠાણાંનું મશીન ગણાવતાં આક્ષેપ કર્યો હતો કે તેઓ વિદેશી કંપનીઓના લૉબિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અને તેમનાં હિતો માટે કામ કરી રહ્યા છે.
ભાજપના કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે આજે સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર કરેલા આક્ષેપો બેજવાબદાર અને બેશરમીની પરાકાષ્ઠા સમાન છે. રાહુલ ગાંધીનો સમગ્ર પરિવાર લૂંટ ચલાવી રહ્યો છે, તેમની માતા સોનિયા ગાંધી જામીન પર છે, બનેવી રૉબર્ટ વડરા તેમની માતા સાથે તપાસના દાયરામાં છે. રવિશંકર પ્રસાદે રાહુલને સવાલ કર્યો હતો કે ઍરબસનો આંતરિક ઈ-મેઇલ તેમને ક્યાંથી મળ્યો છે? કોણ આ જાણકારી આપી રહ્યું છે? રાહુલ ગાંધી વિદેશી કંપનીઓના લૉબિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. જેઓ રફાલથી પરેશાન છે. રાહુલ ગાંધી જેટલા પણ ખોટા આક્ષેપો કરશે એટલી ભાજપ સરકાર વધુ ઉજ્જવળ બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer