સંસદભવનમાં અટલજીના તૈલચિત્રનું અનાવરણ

સંસદભવનમાં અટલજીના તૈલચિત્રનું અનાવરણ
`ભૂતપૂર્વ વડા પ્રધાને આદર્શો સાથે બાંધછોડ કરી નહોતી' : નરેન્દ્ર મોદી ભાવુક બન્યા 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પણ રાજકીય ઉતાર-ચડાવ આવ્યા હતા, જય-પરાજય થયા હતા, પરંતુ આદર્શ વિચારો સાથે તેમણે ક્યારેય સમાધાન કર્યું નહોતું. લક્ષ તરફ ચાલતા રહેવાથી એનું પરિણામ મળે છે એ આપણે તેમના જીવનમાં જોયું છે.
સંસદના સેન્ટ્રલ હૉલમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીના તૈલચિત્રનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ, લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન, સંસદીય પ્રધાન નરેન્દ્ર તોમર, ગુલામ નબી આઝાદ વગેરે પણ હાજર હતાં.
વડા પ્રધાન મોદીએ વાજપેયીને દિગ્ગજ નેતા ગણાવતાં જણાવ્યું હતું કે `વ્યક્તિગત જીવનના હિત માટે ક્યારે પણ પોતાનો માર્ગ ન બદલવો અને લોકતંત્રમાં સ્પર્ધા હોવા છતાં એકબીજા પ્રત્યે આદરભાવ રાખવો એવું તેમના જીવનમાંથી શીખવા મળે છે. જેટલી તાકાત તેમના ભાષણમાં હતી એટલો જ પ્રભાવ તેમના મૌનમાં હતો. 
આજના યુગમાં ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ શીખવા જેવું છે.'
રાષ્ટ્રપતિ કોવિન્દે જણાવ્યું હતું કે `ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયીનું સાર્વજનિક જીવન એક પાઠશાળા જેવું હતું. તેમણે રાષ્ટ્રસેવાની ભાવનાથી કામ કર્યું હતું.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer