યુદ્ધવિમાનો અગાઉ કરતાં સસ્તાં મળ્યાંની નોંધ હોવાના અહેવાલો

યુદ્ધવિમાનો અગાઉ કરતાં સસ્તાં મળ્યાંની નોંધ હોવાના અહેવાલો
સંસદમાં ઘમસાણ વચ્ચે રફાલનો કૅગનો રિપોર્ટ રજૂ
કૉંગ્રેસે જેપીસીની માગ ઉઠાવી, સુપ્રીમના ચુકાદા બાદ સરકારે કંઈ કહેવાનું નથી : રાજનાથ
નવી દિલ્હી, તા. 12: રાફેલ ડિલને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે આજે કેગ દ્વારા રીપોર્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલામાં પત્રકાર પરિષદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરીવાર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે આ મામલામાં જેપીસી પાસેથી તપાસ કરાવવાની ફરીવાર માંગ કરી હતી. આજે સંસદની કાર્યવાહી દરમિયાન ભારે ધાંધલ ધમાલ થઇ હતી. રાફેલના મુદ્દા ઉપર હોબાળો જારી રહ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખગડેએ જેપીસી તપાસની માંગ ફરીવાર દોહરાવી હતી. આના ઉપર કેન્દ્રીયમંત્રી રાજનાથાસિંહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ મામલામાં કોઇપણ બાબત રહેતી નથી. જેપીસી તપાસને લઇને કોઇ અર્થ નથી. સંસદના બંને ગૃહોમાં આજે કેગનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદનું સત્ર આવતીકાલે પૂર્ણ થઇ રહ્યું છે. વર્તમાન લોકસભાની અવધિમાં આ અંતિમ સત્ર છે.  અહેવાલો પ્રમાણે કૅગના રિપોર્ટમાં આ યુદ્ધ વિમાનોનો સોદો અગાઉની સરકાર કરતા ઓછી કિંમતે થયાની નોંધ છે. 
 રાફેલ ડીલમાં કૌભાંડ અને ગેરરીતિના કોંગ્રેસના આક્ષેપો વચ્ચે કેગે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. કેગે રાફેલ ઉપર 12 ચેપ્ટરમાં રીપોર્ટ તૈયાર કર્યો છે. મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જુદાં જુદાં અહેવાલો પણ આમાં રજૂ કરવામાં આવ્યાં છે. કેગે પોતાના રીપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિને અને બીજી કોપી નાણામંત્રાલયને મોકલી દીધી છે. એમ માનવામાં આવે છે કે, કેગે રાફેલ ઉપર12 ચેપ્ટરને આવરી લઇને વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer