પરાંમાં વીજપુરવઠા કાપની શક્યતા : રિલાયન્સ પાવર પ્લાન્ટ બંધ પડવાની અસર

મુંબઈ, તા. 13 : મુંબઈના પરાંઓમાં વીજ પુરવઠાની તંગી અનુભવાય એવી શક્યતા ઊભી થઇ છે. નાગપુરના રિલાયન્સ પાવરનો 600 મે.વો. બુટીબોરી પ્લાન્ટ જે અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. (એઈએમએલ)ને વીજ સપ્લાય કરે છે તે મધ્ય જાન્યુઆરીથી બંધ પડી ગયો છે. આમ એઈએમએલ જે મુંબઈનાં પરાંને વીજ સપ્લાય કરે છે તેને પુરવઠા સ્થિતિ જાળવી રાખવા ખુલ્લા બજારમાંથી તે ખરીદવાની ફરજ પડી છે એમ કહી શકાય.
જોકે, વિશ્લેષકોના મતે માથે ઉનાળો છે અને લોકસભાની ચૂંટણી પણ છે ત્યારે ખુલ્લા બજારમાંથી વીજ પુરવઠો મેળવવો કઠિન તો બનશે પણ સાથે મોંઘું પણ રહેશે.
એઈએમએલએ રિલાયન્સ પાવરની સબસિડીયરી વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિ. (વીઆઈપીએલ)ને યુનિટદીઠ રૂા. 4.38ના દરે 600 મે.વો. સપ્લાય કરવા એગ્રીમેન્ટ કરેલું છે. હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં આ સપ્લાયરનું 300 મે.વો.નું યુનિટ અને બીજું 300 મે.વો.નું યુનિટ મધ્ય જાન્યુઆરીમાં બંધ પડી જતાં એઇએમએલએ ખુલ્લા બજારમાંથી યુનિટદીઠ રૂા. 3.50થી રૂા. 4ની વચ્ચે વીજ પુરવઠો ખરીદવા સંપર્ક કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer