શત્રક્રિયા પછી દૃષ્ટિ ગુમાવનારને 20?લાખ રૂપિયા-નોકરી મળશે

મુંબઈ, તા. 13 : જોગેશ્વરીસ્થિત બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હૉસ્પિટલમાં અૉપરેશન બાદ દૃષ્ટિ ગુમાવનાર દર્દીને મહાપાલિકા વતી 20 લાખ રૂપિયાની આર્થિક સહાય અને તેમના કુટુંબીજનોને પાલિકામાં નોકરી આપવાનો આદેશ મેયર વિશ્વનાથ મહાડેશ્વરે આપ્યો છે. હૉસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ પર કાર્યવાહીનો અર્થ `ચોરને છોડીને સંન્યાસીને શિક્ષા' જેવું હશે એમ મેયરે કહ્યું હતું. વિશ્વનાથે કહ્યું હતું કે આ આખા પ્રકરણની તપાસ કરાશે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
મેયરે પાલિકાને પાલિકાની આગામી બેઠકમાં તપાસ અહેવાલમાં રજૂ કરવાનો હુકમ આપ્યો હતો.
હૉસ્પિટલમાં મોતિયાનું અૉપરેશન કરતી વેળાએ ઇન્ફેક્શન થતાં ત્રણ જણે દૃષ્ટિ ગુમાવી હતી અને બીજા ચાર જણની દૃષ્ટિ ઓછી થઈ હતી. વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ આ પ્રકરણનો તપાસ અહેવાલ હજુ સુધી ન આપ્યો હોવાથી દૃષ્ટિ ગુમાવનારને પાલિકા 20 લાખ રૂપિયાની આર્થિક મદદ અને દર્દીઓના કુટુંબીજનોને નોકરી આપે એવી માગણી કરી હતી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં રાખી જાધવે પ્રશાસન સંવેદનહીન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ડૉક્ટર દર્દીની પ્રામાણિક સેવા કરતા નથી.
સભાગૃહનાં નેતા વિશાખા રાઉતે કહ્યું હતું કે હૉસ્પિટલને બાળાસાહેબનું નામ દેવામાં આવ્યું હોવાથી હૉસ્પિટલને બદનામ કરવાના કાવતરાની સંભાવના નકારી શકાય નહીં. આ સંદર્ભે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ભાજપના ગ્રુપલીડર મનોજ કોટકે કહ્યું હતું કે સનદી અધિકારીનું હૉસ્પિટલના ડૉક્ટરો સાંભળતા નથી. આરોગ્ય વિભાગે સ્વતંત્ર શ્વેતપત્રક કાઢવું જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer