ગંગર પરિવારમાં પડી તકરાર

ગંગર પરિવારમાં પડી તકરાર
પાંચ ભાઈઓ સામે મોટા ભાઈએ કરી ફરિયાદ
મુંબઈ, તા. 13 : ગંગર આયનેશનને નામે ચશ્માંની દુકાનોની મોટી ચેન ધરાવતા ગંગર બંધુઓ વચ્ચે કૌટુંબિક બિઝનેસ પર કબજો મેળવવા યાદવાસ્થળી ફાટી નીકળી છે. કચ્છી વીસા ઓસવાલ જૈન જ્ઞાતિમાં જ્ઞાતિજનોએ જ્ઞાતિના મોભીઓને આપેલાં ઉછીનાં નાણાંના ડિફોલ્ટને લીધે નાણાકીય કટોકટી ઊભી થઈ છે ત્યારે ગંગર બંધુઓનો વિખવાદ આવી કટોકટીને ઘેરી બનાવશે. એવું કહેવાય છે કે 4000 કરોડ રૂપિયાનો ડિફોલ્ટ થયો છે અને અસરગ્રસ્ત જ્ઞાતિજનો નાણાં પરત ન કરનાર મોભીઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. છ ભાઈઓમાંના મોટા ભાઈ જયંતીલાલ ગંગરે એવો આક્ષેપ કર્યો છે કે મારા ભાઈઓએ મને તથા મારા પુત્રને કંપનીના સંચાલનમાંથી તગેડી મૂક્યા છે.
જયંતીલાલે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં (એનસીએલટી)માં અરજી કરી છે. જયંતીલાલે અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે છેતરપિંડી કરીને બીજી કૌટુંબિક કંપની ગંગર એન્ટરપ્રાઈઝમાંથી મારા શેર મારા ભાઈ જગદીશ અને જગદીશના પુત્ર રોહિતના નામે ટ્રાન્સફર
કરાયા હતા.
ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ અને ટેક્નિકલ સભ્યો વી. પી. સિંહ અને રાવકુમાર દુરાઈસામીએ વચગાળાના હુકમમાં ગંગર બંધુઓને આગામી સુનાવણી સુધી કંપનીની સ્થાવર મિલકતો અને શૅર હોલ્ડિંગમાં પહેલા જેવી પરિસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
આ વિવાદથી કચ્છી વીસા ઓસવાલ જૈન જ્ઞાતિમાં ખળભળાટ મચી ગયો છે.
ગંગર એન્ટરપ્રાઈઝ 200 કરોડ રૂપિયાની કિંમતના 75 સ્ટોર ધરાવે છે. કુટુંબના બિઝનેસ મોડેલ પ્રમાણે આ કંપનીએ આ સ્ટોર ગંગર ઓપ્ટિશિયનને ભાડે આપ્યા છે. જયંતીલાલ બંને કંપની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જયંતીલાલે અરજીમાં દાવો કર્યો છે કે મારા ભત્રીજા દિવ્યેશ ગંગર પાસે મારી ઇલેક્ટ્રોનિક સાઈન હતી. દિવ્યેશે એનો દુરુપયોગ કરીને ગંગર એન્ટરપ્રાઈસમાંનું મારું 16.6 ટકાનું શૅર હોલ્ડિંગ જગદીશ અને રોહિતના નામે ટ્રાન્સફર કર્યું હતું. જયંતીલાલે આક્ષેપ કર્યો છે કે આ ટ્રાન્સફર મને જાણ કર્યા વગર અને મંજૂરી લીધા વગર કરાયું છે.
આ જ ટ્રિબ્યુનલ આગળ કરેલી બીજી અરજીમાં જયંતીલાલ દાવો કરે છે કે ગંગર આયનેશનના બોર્ડે 21 જાન્યુઆરીએ એક ઠરાવ પસાર કરીને કંપનીના સંચાલનમાં મારી અને મારા પુત્ર પ્રજ્ઞેશની `સત્તા' છીનવી લીધી હતી. પ્રજ્ઞેશ આ કંપનીમાં સીઈઓ હતો, ઠરાવ પૃરતી નોટિસ આપ્યા વિના મંજૂર કરાયો હતો.
ઍડવોકેટ નિલેશ ત્રિભુવને જયંતીલાલ વતી નોંધાવેલી અરજીમાં લખાવ્યું છે કે પાંચ પ્રતિવાદીઓ (પાંચ ભાઈઓ)એ આ કૃત્ય કરીને અરજદારો પાસેથી તેમની સત્તા છીનવી લીધી છે અને અમે હવે ફક્ત કઠપૂતળી બની ગયા છે.
જયંતીલાલ દાવો કરે છે કે હું આ બંને કંપનીઓમાં સંસ્થાપક ડાયરેક્ટર અને પ્રમોટર હતો. મને શંકા છે કે સત્તાવિહોણો કરીને કાઢી મૂકશે. તેમણે ટ્રિબ્યુનલને અનુરોધ કર્યો છે કે તે આમાં એક વહીવટીકર્તાની નિમણૂક કરે.
એનએસએલટીએ પાંચ ભાઈઓ દેવચંદ, કિશોર, જગદીશ, સુરેન્દ્ર અને ચંપકલાલ પાસેથી જવાબ માગ્યો છે. ટ્રિબ્યુનલે વચગાળાના આદેશમાં પ્રતિવાદીઓને કોઈ થર્ડ પાર્ટીના અધિકારો બનાવવા, સંપત્તિનો નિકાલ કરવા, માલિકી બીજાના નામે ચડાવવા કે કરજનું ભારણ વધારવાની મનાઈ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer