ખાન કલાકારોની તોલે કોઇ ન આવી શકે : ઝોયા અખ્તર

ખાન કલાકારોની તોલે કોઇ ન આવી શકે : ઝોયા અખ્તર
જીવનને ખરા અર્થમાં જીવવાનો સંદેશ આપતી ફિલ્મો બનાવનાર ઝોયા અખ્તર હવે સામાન્ય યુવકમાંથી રૅપર બનતા યુવાનની કથાવાળી ફિલ્મ ગલી બોય લઇને આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ છે. ઝોયાની રણવીર સાથેની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મનું પચાસ ટકા શૂટિંગ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કરવામાં આવ્યું છે. ધારાવીમાં શૂટિંગ કરવાના અનુભવ વિશે વાત કરતા ઝોયાએ કહ્યું કે, ત્યાંના લોકોએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો. વાસ્તવમાં ત્યાં કેટલીય ફિલ્મોના શૂટિંગ થઈ ગાય છે એટલે તેમને શૂટિંગ કે ફિલ્મ કલાકારોની કોઈ નવાઈ લાગતી નથી. અમે 45 દિવસ શૂટિંગ કર્યું પરંતુ કોઇ સમસ્યા થઇ નહોતી. 
2009માં ઝોયાની પ્રથમ ફિલ્મ લક બાય ચાન્સ આવી હતી. ત્યારથઈ તેની કારકિર્દીની ગાડી સડસડાટ ચાલી રહી છે.આ દસ વર્ષ દરમિયાન તું શું શીખી?એવા સવાલના જવાબમાં ઝોયાએ કહ્યું કે, તમને ખોટા હોવાની અંત:સ્ફુરણા થાય ત્યારે તે ને અવગણવી નહીં એ પાઠ મને આ વર્ષો દરમિયાન શીખવા મળ્યો છે. વળી તમારી સાથે કામ કરનારા પણ સારા હોવા જોઇએ. આથી હું મારી ટીમને પસંદ કરું છું. 
ગત વર્ષે ખાન કલાકારો (શાહરુખ, સલમાન અને આમિર)ની ફિલ્મ બોક્સ અૉફિસ પર નિષ્ફળ ગઈ હતી. આ વિશે પૂછતાં ઝોયાએ કહ્યું કે, આ કલાકારોની ફિલ્મો ભલે ફલોપ ગઇ પરંતુ બૉલીવૂડમાંથી સ્ટાર કલાકારો તરીકેની તેમની ઓળખ કદાપિ ભૂંસાશે નહીં. આ કલાકારોની તોલે કોઇ ન આવી શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer