ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની વિન્ડિઝ સામે જીત

ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની વિન્ડિઝ સામે જીત
485ના લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝ 252મા આઉટ : ચેસની સદી
સેંટ લૂસિયા, તા. 13 : ઇંગ્લેન્ડે શ્રેણી ગુમાવ્યા બાદ ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે વિન્ડિઝ ઉપર સાંત્વના આપનારી જીત મેળવી હતી. પહેલા બે મેચમાં હારીને 10 વર્ષમાં પહેલી વખત વિઝડન ટ્રોફી ગુમાવનારી ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડિઝ ઉપર એક દિવસ બાકી રહેતા 232 રને જીત મેળવી હતી.
 જો રૂટના 22 રનની મદદથી ઇંગ્લેન્ડે બીજા દાવમાં 361 રન બનાવીને વેસ્ટ ઇન્ડિઝ સામે 485 રનનો પડકાર મુક્યો હતો. જેની સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ છેલ્લા સત્રમાં માત્ર 252 રન બનાવીને આઉટ થઈ હતી. મેચમાં ઇજાના કારણે બોલિંગ ન કરી શકનારો પાલ છેલ્લા બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. જેથી રોસ્ટન ચેસ પાંચમી ટેસ્ટ સદી પૂરી કરી શકે. શેનોન ગ્રેબ્રિયલના રૂપમાં નવમી વિકેટ પડી ત્યારે ચેસ 97 રને મેદાનમાં હતો. ત્યારબાદ ચેસે ડેનલેના બોલમાં ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી અને 191 બોલમાં 12 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 102 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું હતું કે, તેનું લક્ષ્ય વેસ્ટ ઇન્ડિઝની ટીમને વિશ્વ રેન્કિંગમાં ટોચ ઉપર પહોંચાડવાનું છે. શ્રેણી અગાઉ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, કારણ કે ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાનો 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો તેમજ ભારતને પણ 4-1થી હરાવ્યું હતું. જો કે વેસ્ટ ઇન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને શરમજનક હારનો સામનો કરવો પડયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer