કિવિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું : ગુપ્ટિલની સદી

કિવિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું : ગુપ્ટિલની સદી
બાંગ્લાદેશે આપેલા 233 રનના પડકારને ન્યૂ ઝીલૅન્ડે 44.3 અૉવરમાં પાર પાડયો
નેપિયર, તા. 13: ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના નોટઆઉટ 117 રનની દમદાર ઇનિંગના જોરે ન્યૂઝિલેન્ડે ત્રણ વનડેની શ્રેણીના પહેલા મેચમાં બાંગલાદેશ સામે 8 વિકેટે જીત મેળવી હતી. બાંગલાદેશે ન્યુઝિલેન્ડ સામે 233 રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. જેને કિવિઝે 44.3 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. મેચમાં ગુપ્ટિલને જોરદાર ઇનિંગનાં કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
પ્રથમ વન ડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગલાદેશની ટીમની શરૂઆત ખૂબ જ કંગાળ રહી હતી અને પાંચ રનના સ્કોરે જ તમીમ ઈકબાલ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ મેટ હેનરીએ લિટન દાસને આઉટ કરીને બાંગલાદેશી ટીમનો સ્કોર બે વિકેટે 19 રન કરી નાખ્યો હતો. ત્યારબાદ બાંગલાદેશનો રકાસ શરૂ થયો હતો અને 100 રનની અંદર જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. મહેંદી હસનના રૂપમાં બાંગલાદેશે 131 રને પોતાની સાતમી વિકેટ પણ ગુમાવી હતી. જો કે મોહમ્મદ મિથૂને મોહમ્મદ સૈફુદ્દીન સાથે મળીને આઠમી વિકેટ માટે 84 રન જોડયા હતા અને ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. જવાબમાં ન્યુઝિલેન્ડની શરૂઆત દમદાર રહી હતી. પહેલી વિકેટ માટે ગુપ્ટિલે હેનરી નિકોલસ સાથે મળીને 103 રન જોડયા હતા. નિકોલસને 53 રનના અંગત સ્કોરે આઉટ કરીને મિરાજે મેજબાન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમ્સન પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને 11 રને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ગુપ્ટિલે અનુભવી ખેલાડી રોઝ ટેલર (45 નોટઆઉટ) સાથે મળીને ન્યુઝિલેન્ડની ટીમને જીત અપાવી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer