નવી મુંબઈમાં 10 હેક્ટર જમીન પર જ્વેલરી પાર્ક સ્થપાશે

નવી મુંબઈમાં 10 હેક્ટર જમીન પર જ્વેલરી પાર્ક સ્થપાશે
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી) 27 ફેબ્રુઆરી સુધીમાં જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ને મહાપે, નવી મુંબઈ ખાતે 10 હેક્ટર (આશરે 25 એકર) જમીન ફાળવે એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા અમલી બને તે પહેલાં આ મહિનાના અંત સુધીમાં જમીન ફાળવણીનો નિર્ણય લેવાઈ જાય એવી સંભાવના છે.
જો આ પાર્ક સ્થપાશે તો ત્રણ વર્ષમાં મુંબઈના ઝવેરી બજારની નજીક આશરે ગોલ્ડ, સિલ્વર અને ઈમિટેશન જ્વેલરીના 1000 ઉત્પાદન એકમો તથા પરેલ અને અંધેરીમાં અન્ય હજારો એકમો સ્થપાય એવી શક્યતા છે.
એમઆઈડીસીના સીઈઓ પી. અંબલગાએ જણાવ્યું હતું કે જીજેઈપીસીને અૉફર લેટર આપતાં પહેલાં એજન્સી ટેક્નિકલ અને પેમેન્ટના માપદંડો પર કામ કરી રહી છે. કાઉન્સિલ અર્નેસ્ટ મની આપે પછી એલોટમેન્ટ લેટર આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ ભારતને જ્વેલરી ઉત્પાદન અને નિકાસનું હબ બનાવી શકે છે. 27 ફેબ્રુઆરીએ એમઆઈડીસી બોર્ડ મળે ત્યાં સુધીમાં અૉફર લેટર અને એલોટમેન્ટ અંગે નિર્ણય લેવાઈ જશે.
જીજેઈપીસીના અંદાજ પ્રમાણે ભાવ જ્વેલરી પાર્કનો ખર્ચ રૂા. 800 કરોડ છે. કાઉન્સિલે પ્રોજેક્ટની દેખરેખ રાખવા માટે ઇન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ નામનું સ્પેશિયલ પર્પઝ વ્હિકલ સ્થાપ્યું છે. જમીન ફાળવણી પછી ત્રણ વર્ષમાં નિર્માણકાર્ય પૂરું થઈ જશે કાઉન્સિલ પાસે રૂા. 250 કરોડની અનામત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer