ઊંચી આયાત ડયૂટી અને વધતા ભાવથી

ઊંચી આયાત ડયૂટી અને વધતા ભાવથી
આ વર્ષે સોનાની દાણચોરીમાં 25થી 50 ટકાનો ઉછાળો આવવાની શક્યતા
મુંબઈ, તા. 13 : સોનાના ઊંચા ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી 10 ટકાની આયાત ડયૂટીના કારણે વર્ષ 2019માં સોનાની દાણચોરીમાં 25થી 50ટકાનો ઊછાળો આવે તેવી શક્યતા ઔદ્યોગિક  ક્ષેત્રના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
28 ડિસેમ્બર 2018 બાદ સોનાના ભાવમાં 10 ટકા જેટલો વધારો થતાં ભાવ પ્રતિ 10 ગ્રામ રૂા.33 હજારની ઉપર ગયા છે. એક અભ્યાસ મુજબ ગયા વર્ષે ભારતમાં સોનાની દાણચોરી આશરે 120 ટન જેટલી રહી હતી, તે આવર્ષે વધીને 150થી 180 ટન જેટલી રહેવાની ધારણા ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(ઇબ્જા)ના ડિરેક્ટર હર્ષ આચાર્યએ વ્યક્ત કરી છે. 
વેપારથી વેપાર (બી ટુ બી) સેગ્મેન્ટમાં વેપારીઓ ચેકના સ્થાને રોકડાથી વ્યવહાર કરવાનું વધુ પસંદ કરતા હોવાથી એ વાતનો સંકેત છે કે સોનાની દાણચોરી વધી રહી છે. સોનાની હાજર બજારમાં ચેક અને રોકડાના સોદામાં એક કિલોએ સોનાના ભાવમાં રૂા. 50 હજાર જેટલો મોટો ફરક પડતો હોય છે, એમ આચાર્યએ જણાવ્યું હતું. 
ભાવ અત્યારે ઊંચા હોવા છતાં વેપારીઓ માલ ભરી રહ્યા છે, તેમનો અંદાજ છે કે લગ્નસરાની આગામી મોસમમાં માગ ખુલશે અને ત્યારે તેમનો બિઝનેસ તેજીમાં આવશે. 
લગ્નસરાની મોસમનો બીજો રાઉન્ડ શરૂ થયો છે પણ માગ જોઇએ તેવી નથી કારણકે ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઇ રહ્યા છે પણ નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ ઘટે તેવી શક્યતા જણાતી નથી, એમ તેમણે જણાવ્યું હતું. 
વર્ષ 2018મા ભારતમાં સોનાની માગ તેના પાછલા વર્ષના 771.2 ટનથી સહેજ ઘટીને 760.4 ટન રહી હતી અને ઝવેરાતની કુલ માગમાં પણ એક ટકાનો ઘટાડો થતાં તે 598 ટન રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના એમડી સોમસંદરમ પીઆરે જણાવ્યું છે. 
બીજી તરફ સોનાના રોકાણમાં વાર્ષિક ધોરણે ચાર ટકાનો ઘટાડો થઇ તે 162.4 ટન રહ્યું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer