હીરાના વેપારીના બંધ ઘરમાં ઘૂસેલા ચોર-ત્રિપુટીના હાથમાં

કંઈ ન આવ્યું એટલે ખાધું-પીધું અને સૂઈ ગયા
 
બિઝનેસમૅનનો પરિવાર પરોઢે આવી ચડતાં લૂંટારા હેબતાઈ ગયા, એક પકડાયો જ્યારે બે છૂ થઈ ગયા
 
મુંબઈ, તા. 13 : કલિનામાં રહેતા હીરાના વેપારીના ઘરમા ચોરી કરવા ગયેલા ત્રણ ચોરને ઘરમાંથી કાઈ માલમતા હાથ ન લાગી એટલે ફ્રીજમાંથી ખાણી-પીણીની વસ્તુથી જલસા કર્યા અને ત્યાં જ સૂઈ ગયા. સવારે ઘરમાલિક વહેલા આવ્યા ત્યારે ચોર ઊઠીને ભાગવા ગયા, ત્યારે બીજે માળેથી કૂદકો મારતા એકના પગમાં ફ્રેક્ચર આવ્યું હતું જ્યારે બે જણ ભાગી ગયા હતા. પોલીએ આ બાબતે આઈપીસીની ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને જખમી ચોરની ધરપકડ કરી છે. જ્યારે બીજા બેની શોધ ચાલુ છે. 
પોલીસે આપેલી માહિતી મુજબ, નિલેશ પટેલ કલિનામાં નિલ શાંતિનિકેતન બિલ્ડિંગમાં બીજા માળે ભાડાં પર રહે છે. તેઓ શનિ-રવિ કુટુંબ સાથે સુરત ગયા હતા. ત્યારે ત્રણ ઘરફોડુએ ચોરીના હેતુથી ઘર તોડયું હતું. પરંતુ ઘરમાં ગયા બાદ કાઈ જ માલમતા હાથ લાગી નહોતી. એટલે ત્રણેએ ફ્રીજ અને રસોડામાંથી ખાણી-પીણીની વસ્તુઓ લઈને જલસા કર્યા હતા અને પછી પટેલના ઘરમાં જ સૂઈ ગયા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પટેલ પરિવાર પાછો ફર્યો ત્યારે તેઓ ઘરમાં ચોરને જોઈને હેબતાઈ ગયા હતા અને ચોર પણ ઘાંઘા થઈ ગયા હતા. પટેલ દંપતીએ ચોરને પકડવાના પ્રયત્ન કર્યા હતા. ત્યારે બે જણ પાઈપ પર લટકીને ભાગી છૂટવામાં સફળ થયા હતા. જ્યારે ત્રીજા ચોરે બાલ્કનીમાંથી કૂદકો મારતાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવી હતી અને જખમી ચોરને હૉસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાર બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ પહેલી વખત ચોરીનો પ્રયાસ કર્યો હતો અને પકડાઈ ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer