અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાને આડે માંડ પખવાડિયું બાકી છે ત્યારે ભાજપ અને શિવસેના વચ્ચે યુતિની ચર્ચા શરૂ થઈ નથી. તેથી મત વિભાજન ટાળવા યુતિ થાય એ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગેવાની લેશે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સહુથી મોટા પક્ષો છે. તેથી જો તેમની યુતિ થાય નહીં અને મત વિભાજનના કારણે રાજ્યમાં રાજકીય સમીકરણ ઉપર અસર સર્જાઈ શકે છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં યુતિની ચર્ચા આગળ વધતી નથી. તેમાં હિન્દુવાદ તરફી મતોનું વિભાજન ટાળવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મધ્યસ્થી કરશે. ભાગવત દ્વારા બન્ને પક્ષોને બેઠકોની વહેંચણીનો વિવાદ આપસમાં ઉકેલવાનું કહેવામાં આવશે. તેના માટે ભાજપ અને શિવસેનાની કોર ટીમ એકમેક સાથે ચર્ચા કરશે. આ કોર ટીમમાં બન્ને પક્ષના નેતાઓનો સમાવેશ કરાશે.
આ કોર ટીમની પ્રથમ બેઠક `માતોશ્રી'માં થવી જોઈએ એવી શિવસેનાની માગણી છે. તે માટે પણ ભાજપ અનુકૂળ હોવાનું કહેવાય છે.
શિવસેનાએ લોકસભા અને વિધાનસભાની બેઠકોની વહેંચણી સાથે કરવી એવો આગ્રહ રાખે છે. તે અંગે પણ ભાજપ સકારાત્મક છે. આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળે એવી સંભાવના છે.
વર્તમાન રાજકીય સંજોગોમાં ભાજપનો હાથ ઉપર છે. તેથી તે નમતું જોખશે પણ જે બેઠકો કે રાજકીય રીતે જે હિસ્સો તેની પાસે છે તે શિવસેનાને આપે એવી શક્યતા નહીંવત છે.
લોકસભામાં બેઠકોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્ર સહુથી મોટું રાજ્ય છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. તેથી શિવસેના સાથે યુતિ થાય નહીં તો હિન્દુવાદી મતોના વિભાજનને ટાળવા ભાજપ યુતિ માટે ઉત્સુક છે. કેન્દ્રમાં પુન: સરકાર રચવા માટે મહારાષ્ટ્રમાં સારી એવી સંખ્યામાં બેઠકો જીતવી જરૂરી છે. તેના માટે ભાજપના નેતાઓ શિવસેનાની ટીકાની અવગણના કરે છે.