મહારાષ્ટ્ર સરકારે ત્રણ ગુજરાતી રમતવીરોને સન્માનિત કર્યા

મહારાષ્ટ્ર સરકારે ત્રણ ગુજરાતી રમતવીરોને સન્માનિત કર્યા
બિલિયર્ડસ માટે ધ્રુવ સિત્વાલા અને સિદ્ધાર્થ પરીખને તેમ જ ચૅસ માટે હર્ષિત રાજાને શિવ છત્રપતિ રાજ્ય ક્રીડા પુરસ્કાર અપાશે
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજે વર્ષ 2017-'18ના ખેલકૂદ એવૉર્ડ માટે ત્રણ ગુજરાતીઓ સહિત 57 રમતવીરો અને ખેલ માર્ગદર્શકોની પસંદગી કરવામાં આવી છે. તેમાં બિલિયર્ડસના ખેલાડીઓ સિદ્ધાર્થ પરીખ અને ધ્રુવ સિત્વાલા તેમ જ ચૅસના ખેલાડી હર્ષિત રાજાનો સમાવેશ થાય છે. રાજસ્થાનની વતની મહિલા મુક્કાબાજ ભાગ્યશ્રી પુરોહિતની પસંદગી કરાઈ છે.
મહારાષ્ટ્રના ખેલકૂદ ખાતાના પ્રધાન વિનોદ તાવડેએ આજે વર્ષ 2017-18ના શિવછત્રપતિ ક્રીડા પુરસ્કારની જાહેરાત કરી હતી. તેમાં 15 ક્રીડા માર્ગદર્શકો, 57 ખેલાડીઓ અને નવ વિકલાંગ ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવના હસ્તે 17મી ફેબ્રુઆરીએ સાંજે ગેટવે અૉફ ઈન્ડિયા ખાતે એવૉર્ડ એનાયત કરાશે.
મલખંભ માટે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઉદય દેશપાંડેને જીવનગૌરવ પુરસ્કાર એનાયત કરાશે. તેમાં ત્રણ લાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નો સમાવેશ થાય છે. બિલિયર્ડસના ખેલાડી સિદ્ધાર્થ શૈલેશ પરીખને પણ આ એવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે અંધેરીમાં રહેતા સિદ્ધાર્થ પરીખ જુહુની ઉત્પલ સંઘવી સ્કૂલના વિદ્યાર્થી છે. તેમણે મીઠીબાઈ કૉલેજમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી પછી તેઓ મધ્ય રેલવેની સીએસએમટીસ્થિત કચેરીમાં કૉમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમણે વર્ષ 2015માં અૉસ્ટ્રેલિયામાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં અને વર્ષ 2017માં ઈંગ્લૅન્ડમાં વર્લ્ડ ચૅમ્પિયનશપિમાં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. વર્ષ 2016માં યુએઈમાં એશિયન ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. સિદ્ધાર્થ પરીખ નડિયાદ પાસે બોરસદના વતની છે. તેઓ દશા પોરવાડ વણિક જ્ઞાતિના વૈષ્ણવ છે.
બિલિયર્ડસના ખેલાડી ધ્રુવ અશ્વિન સિત્વાલાને એવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમને વર્ષ 2007, 2010, 2014 અને 2016માં રજતચંદ્રક અને વર્ષ 2009 અને 2012માં કાંસ્યચંદ્રક, એશિયન બિલિયર્ડસ ચૅમ્પિયનશિપમાં વર્ષ 2015 અને 2016માં સુવર્ણચંદ્રક તેમ જ નેશનલ બિલિયર્ડસ ચૅમ્પિયનશિપમાં વર્ષ 2003, 2006 અને 2015માં રજતચંદ્રક મળ્યો હતો. પટેલ જ્ઞાતિના સિત્વાલા નડિયાદના વતની છે. તેમણે પાર્લાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને એન. એમ. કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. હાલ તેઓ બીકેસીસ્થિત ઓએનજીસીની કચેરીમાં મૅનેજર તરીકે ફરજ બજાવે છે.
ચૅસના જાણીતા ખેલાડી 17 વર્ષીય હર્ષિત હરમીશ રાજા પુણેની મરાઠા મિત્ર મંડળની કૉલેજમાં સાયન્સ શાખાના 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા હરમીશ અને માતા રાખી વર્ષોથી મહારાષ્ટ્રમાં સ્થાયી થયાં છે. તેઓ લોહાણા જ્ઞાતિના છે. હર્ષિત રાજાએ વિશ્વ કક્ષાની સ્પર્ધામાં ઈન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ મેળવ્યો છે.
મુક્કાબાજ ભાગ્યશ્રી પુરોહિત રાજસ્થાનમાં જોધપુરના વતની છે. તેઓ થાણેમાં રહે છે. તેમણે મહિલા મુક્કાબાજ તરીકે મહારાષ્ટ્ર સ્તરે બે વાર અને રાષ્ટ્રીય સ્તરે ચાર વખત વિજય મેળવ્યો છે. તેઓ હાલ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં ફરજ બજાવે છે.
આ એવૉર્ડમાં એક લાખ રૂપિયા, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નો સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer