ગંગર પરિવાર કહે છે કે વાટાઘાટ ચાલુ છે, સુખદ ઉકેલની આશા

ગંગર પરિવાર કહે છે કે વાટાઘાટ ચાલુ છે, સુખદ ઉકેલની આશા
કનૈયાલાલ જોશી અને 
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈના કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજના મધ્યમ વર્ગના હજારો લોકોના લગભગ 4000 કરોડ રૂપિયાની રકમ કેટલાક અગ્રણી નાણાદલાલો અને સમાજના મોભીઓ પાસે ફસાઈ છે ત્યારે શહેરમાં `ગંગર આઈનેશન' નામે ચશ્માંની દુકાનોની મોટી ચેન ધરાવતા છ ગંગર બંધુઓ વચ્ચે તેમની કંપનીઓના વહીવટ અંગે વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં પહોંચ્યો છે. એ સાથે જ મુંબઈ સહિત દેશના કવિઓ જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
આ સંબંધમાં ગંગર બંધુઓમાં સૌથી મોટા ભાઈ જયંતીલાલ ભીમશીભાઈ ગંગરે ટ્રિબ્યુનલમાં નોંધાવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે મારા ભાઈઓએ મારી તથા મારા પુત્ર પ્રજ્ઞેશની કંપનીના સંચાલનમાંથી અમારી જાણ બહાર હકાલપટ્ટી કરી છે.
જયંતીલાલભાઈએ એવો આક્ષેપ પણ કર્યો છે કે અમારી સાથે છેતરપિંડી કરીને બીજી કૌટુંબિક કંપની ગંગર એન્ટરપ્રાઈઝમાંથી મારા શૅર મારા ભાઈ જગદીશ અને તેમના પુત્ર રોહિતના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જયંતીલાલભાઈની ફરિયાદને પગલે ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ અને ટેક્નિકલ સભ્યો વી. પી. સિંહ અને રાવકુમાર દુરાઈ સામીરે વચગાળાનો આદેશ આપીને ગંગર બંધુઓને આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી કંપનીની સ્થાવર મિલકતો અને શૅર હોલ્ડિંગમાં અગાઉની પરિસ્થિતિ જાળવી (સ્ટેટસ કવો) રાખવા જણાવ્યું છે.
દરમિયાન ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવનારા મોટા ભાઈ જયંતીલાલભાઈનો `જન્મભૂમિ'એ ફોન પર સંપર્ક સાધતા તેમણે તેમના પુત્ર પ્રજ્ઞેશ સાથે વાત કરવા જણાવ્યું હતું અને પ્રજ્ઞેશને ફોન આપ્યો હતો.
પ્રજ્ઞેશભાઈએ આ પ્રતિનિધિને જણાવ્યું હતું કે અમારા પરિવારમાં આ વિવાદ ઊભો થયો છે એ વાત સાચી છે, પરંતુ તેને ઉકેલવા અમારા પ્રયાસો ચાલુ છે. અમારી વાટાઘાટ પણ ચાલુ છે અને મને આશા છે કે સુખરૂપ ઉકેલ આવી જશે. અમારી વાટાઘાટ ચાલુ હતી તેવામાં જ અખબારમાં આ સમાચારો આવી જતાં પરિસ્થિતિ મુશ્કેલ બની છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમારા પરિવારના વિવાદ અંગે મેં કે મારા પપ્પાએ કોઈ પણ અખબાર સાથે વાત કરી નથી. ગંગર એન્ટરપ્રાઈઝ 200 કરોડ રૂપિયાની કિંમતના 75 સ્ટોર ધરાવે છે એનો આંકડો ક્યાંથી આવ્યો એનું પણ અમને આશ્ચર્ય થાય છે. અમારા સમગ્ર પરિવાર વચ્ચે વાટાઘાટ ચાલુ છે અને વિવાદનો સુખદ અંત આવશે એવું મને લાગે છે, એમ પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ અમારા પરિવારનો મામલો છે અને તેના વિશે અખબારોમાં સમાચાર છપાય એવું અમે ઈચ્છતા નથી.
જયંતીલાલભાઈએ અરજીમાં એવો દાવો કર્યો છે કે મારા ભત્રીજા દિવ્યેશ ગંગર પાસે મારી ઈલેકટ્રોનિક સાઈન હતી જેનો તેમણે કહેવાતો દુરુપયોગ કરીને ગંગર એન્ટરપ્રાઈઝમાંનું 16.6 ટકાનું મારું હોલ્ડિંગ જગદીશભાઈ અને રોહિતના નામે ટ્રાન્સફર કર્યું હતું.
તેમણે એવો દાવો પણ કર્યો છે કે ગંગર આઈનેશનના બોર્ડે 21 જાન્યુઆરીએ એક ઠરાવ પસાર કરીને કંપનીના સંચાલનમાં મારી અને મારા પુત્ર પ્રજ્ઞેશની `સત્તા' છીનવી લીધી હતી. પ્રજ્ઞેશભાઈ આ કંપનીમાં સીઈઓ હતા.
દરમિયાન આ અંગે જગદીશભાઈ ગંગરે કહ્યું કે પરિવારમાં જે મુદ્દો ઊઠયો છે એ બાબત વાટાઘાટ ચાલે છે અને બધું સુખદરૂપે પતી જશે.
બીજી તરફ કચ્છી વિશા ઓસવાળ સમાજમાં અગ્રણી તરીકે જાણીતા અને ગંગર બંધુઓમાંના એક ચંપકભાઈ ગંગરનો ટેલિફોન પર સંપર્ક સાધવાના પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા.
છેલ્લા થોડા મહિનાથી કવિઓ સમાજના પૈસા સમાજના જ મુઠ્ઠીભર લોકો પાસે સલવાયાની ફરિયાદ પછી `સહિયારુ અભિયાન'ના નેજા હેઠળ લોકોના ફસાયેલાં નાણાં કઢાવવાના પ્રયાસો શરૂ થયા છે. એ મુઠ્ઠીભર પાર્ટીઓમાં ગંગર બંધુઓનું નામ પણ ચર્ચામાં છે.
છેલ્લા દસ-પંદર દિવસથી `સહિયારુ અભિયાન'ના કાર્યાલયમાં ગંગર બંધુઓ વારાફરતી જતા હતા ત્યારે જયંતીલાલ ગંગરે આક્ષેપ કર્યો હતો કે મારા ભાઈઓએ મને તથા મારા પુત્રને કંપનીના સંચાલનમાંથી કાઢી મૂક્યા છે અને એ રીતે અમારા હિતને નુકસાન કર્યું છે. આ દલીલથી અભિયાનના કર્તાહર્તાઓ પણ દબાણ કરતા નહીં હોય એવું જણાય છે.
બીજી તરફ સમાજમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ગંગર પરિવાર પાસે અંદાજે 400 જણની નાની-મોટી રકમ સલવાઈ છે. એ જવાબદારીમાંથી છટકવા માટે તો આ ચાલ રમાઈ નથી ને?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer