યુપીએ કરતાં એનડીએ સરકારનો રફાલ સોદો 2.86 ટકા સસ્તો

યુપીએ કરતાં એનડીએ સરકારનો રફાલ સોદો 2.86 ટકા સસ્તો
કૅગનો અહેવાલ સંસદમાં રજૂ : કિંમત ઉજાગર ન થઈ, અગાઉની સમજૂતી કરતાં નવા સોદામાં વિમાન વહેલા મળશે: ગેરન્ટી નહીં મળવાની ચિંતા
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.13: રાફેલ યુદ્ધ વિમાનનાં પ9,000 કરોડ રૂપિયાનાં વિવાદાસ્પદ સોદામાં બહુપ્રતીક્ષિત કેગનો અહેવાલ આજે સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો હતો અને તેમાં સરકારના એ દાવાને સમર્થન મળ્યું છે કે અગાઉની યુપીએ સરકારના સોદા કરતા વર્તમાન સરકારે કરેલો સોદો સસ્તો છે. કેગેના અહેવાલ અનુસાર એનડીએ સરકારે કરેલો 36 વિમાન માટેનો સોદો યુપીએના 126 વિમાન માટેની વાટાઘાટ કરતા 2.86 ટકા જેટલો સસ્તો છે.
આ અહેવાલમાં રાફેલ વિમાનની કિંમત ઉજાગર કરવામાં નથી આવી પણ મોદી સરકારના સોદા અનુસાર ભાવકરણની ચકાસણી તેમાં કરવામાં આવી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે 2008માં થયેલી આંતર સરકારી સમજૂતીની જોગવાઈ અનુસાર સંરક્ષણ મંત્રાલયે રાખેલા આગ્રહને પગલે આમાં ભાવનો ઉલ્લેખ ટાળવામાં આવેલો છે. 
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અગાઉની 126 વિમાન માટેની ડીલની તુલનામાં 36 વિમાનનો સોદો કરીને ભારત 17.08 ટકા નાણું બચાવવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત અગાઉના સોદાની તુલનામાં 18 વિમાનની ડિલિવરીનો સમય પણ બહેતર છે. નવા સોદા મુજબ ભારતને 18 વિમાન પાંચ માસ વહેલા મળી જાય છે.  જો કે અહેવાલમાં ફ્રાન્સ સરકાર તરફથી કોઈ બાંયધરી મળી નથી. તેના બદલે આશ્વાસન પત્રથી ભારતે સંતોષ માની લીધો છે. આ બાબતે કેગના અહેવાલમાં ચિંતા પ્રગટ કરવામાં આવી છે. આમાં નોંધવામાં આવ્યું છે કે અગાઉની યુપીએ સરકારે 1પ ટકા બેન્ક ગેરેન્ટીને સોદામાં સ્થાન આપેલું. વર્તમાન સોદા મુજબ જો કરારનો ભંગ થાય તો ભારતે પહેલા ફ્રાન્સની કંપની સાથે લવાદમાં મામલો ઉકેલવો પડશે.
રાફેલ સહિત ભારતીય વાયુદળના કુલ 11 ખરીદીના સોદાની સમીક્ષાના કેગના અહેવાલમાં ખરીદીની પ્રક્રિયા સામે પણ કેટલાક સવાલો ઉઠાવાયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વાયુસેનાએ એર સ્ટાફ ક્વોલિટેટિવ રીક્વાયર્મેન્ટ - એએસક્યુઆરમાં વારંવાર ફેરફારો કરવામાં આવ્યા છે. તેનાં કારણે ટેકનિકલ અને ભાવનાં મૂલ્યાંકનમાં મુશ્કેલીઓ સર્જાઈ અને પ્રતિસ્પર્ધી ટેન્ડરની ઇમાનદારી પણ પ્રભાવિત થઈ છે. તેના કારણે જ આખી ખરીદ પ્રક્રિયામાં વિલંબ થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer