નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બનવા જોઈએ : મુલાયમસિંહ

નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બનવા જોઈએ : મુલાયમસિંહ
પીઢ સમાજવાદી નેતાની પ્રશંસાથી વિપક્ષના નૈતિક જુસ્સામાં ભંગાણ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા વિરોધ પક્ષો સંયુક્ત મોરચો રચવા આગળ આવી રહ્યા છે એવા સમયે મુલાયમસિંહ યાદવે નરેન્દ્ર મોદીને ફરીવાર વડા પ્રધાન બનવાની શુભેચ્છા પાઠવીને વિપક્ષોના નૈતિક જુસ્સામાં ભંગાણ પાડી દીધું છે.
બુધવારે સંસદના બજેટ સત્રના આખરી દિવસે બોલતાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે જણાવ્યું હતું કે `વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વડા પ્રધાન બને એવી મારી ઇચ્છા છે.'
ભાજપને પડકારવા અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ એક વખતની દુશ્મન પાર્ટી બસપા સાથે હાથ મિલાવી લીધા છે ત્યારે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવે ખુલ્લેઆમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે.
`અમે ઇચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બને. બધાને સાથે લઈને ચાલવા માટે હું તેમને અભિનંદન આપું છું એમ લોકસભામાં મુલાયમસિંહ યાદવે જણાવ્યું હતું.
`તેમણે ઘણું સારું કામ કર્યું છે અને કોઈ તેમની સામે આંગળી ચીંધી શકે નહીં, એમ સોનિયા ગાંધીની બાજુમાં બેઠેલા મુલાયમસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું. વડા પ્રધાને આની સામે હાથ જોડીને મુલાયમસિંહ તરફ સ્મિત કર્યું હતું અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુલાયમસિંહના આગોતરા અભિનંદનથી ઉત્તર પ્રદેશમાં ભાજપે રાહતનો દમ લીધો એમ કહી શકાય કારણ કે સત્તા પર પાછા ફરવા માટે ઉત્તર પ્રદેશ મહત્ત્વનું રાજ્ય છે. ભાજપ 2014ની 80માંથી 73 બેઠકો મેળવવાની તેની સફળતાનું પુનરાવર્તન કરવા હાલ સંઘર્ષ કરી રહ્યો છે એવા સમયે વડા પ્રધાનની મુલાયમ દ્વારા કરાયેલી પ્રશંસાને તેમના પુત્ર અખિલેશ યાદવ માટે પીછેહઠ સમાન ગણવામાં આવી રહી છે. આ નિવેદન સમાજવાદી પક્ષના સ્થાપક તરફથી આવ્યું હોવાથી ઉત્તર પ્રદેશમાં યાદવોના નૈતિક જુસ્સા માટે વજ્રઘાત સમાન રહેશે અને ભાજપને ફાયદો થશે એવું માનવામાં આવી રહ્યું છે.
મુલાયમે વડા પ્રધાનની ખુલ્લેઆમ પ્રશંસા કરતાં પિતા-પુત્ર વચ્ચેના સંબંધોમાં બધું ઠીક ચાલી રહ્યું છે એમ કહી શકાય નહીં. મુલાયમ તેમના ભાઈ શિવપાલ યાદવની નજીક ગણાય છે. શિવપાલે સપામાંથી નીકળીને સમાજવાદી સેક્યુલર મોરચાની સ્થાપના કરી હતી. શિવપાલે કહ્યું હતું કે બસપા સાથે સપાનું ગઠબંધન ખુલ્લેઆમ વિશ્વાસઘાત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer