લોકસભામાં વડા પ્રધાનનું સંબોધન ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર

લોકસભામાં વડા પ્રધાનનું સંબોધન ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર
ગળે મળવા અને પડવાનો ભેદ સમજાયો, આંખો કી ગુસ્તાખિયાં પણ જોઈ : મોદીનો રાહુલ પર કટાક્ષ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 13 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે પાડોશી દેશોમાં માનવતાનાં કાર્યોમાં મોટી ભૂમિકા નિભાવી હતી અને તેના કારણે સમગ્ર વિશ્વમાં ભારતનું આગવું સ્થાન બન્યું છે અને તેનો બધો યશ સંપૂર્ણ બહુમતીની સરકાર બનાવનારા દેશના સવા સો કરોડ દેશવાસીઓને જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 16મી લોકસભાના અંતિમ સત્રના સમાપન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 30 વર્ષ બાદ બિનકૉંગ્રેસી સરકાર બની છે અને 30 વર્ષ બાદ કોઈ પાર્ટી આટલી ભારે બહુમતીથી સત્તા પર આવી છે. તેમણે જણાવ્યું હતું કે સોળમી લોકસભામાં આઠ સત્ર એવા હતા જેમાં 100 ટકા કામ થયું હતું. 16મી લોકસભા સૌથી વધુ મહિલા સાંસદો માટે ઓળખાશે જેમાં 44 મહિલાઓ પહેલીવાર ચૂંટાઈ આવી હતી. કેબિનેટમાં મોટા પોર્ટફોલિયો મહિલાઓએ સંભાળ્યા હતા. સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાનનું મંત્રાલય મહિલાઓએ સંભાળ્યું હતું.
`અમારા કાર્યકાળમાં દેશ વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અથંતંત્ર બન્યું છે. આ માટે અહીં આ બેઠેલા તમામ સાંસદો અભિનંદનને પાત્ર છે કારણ કે નીતિવિષયક કાર્યો અહીં જ થયાં હતાં' એમ વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું.
તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કર્યો હતો કે અમે તો સાંભળ્યું હતું કે ભૂકંપ આવશે પણ કોઈ ભૂકંપ આવ્યો નહોતો. ક્યારેક વિમાનો ઉડાવવામાં આવ્યાં હતાં પરંતુ લોકતંત્રની મર્યાદા એટલી ઊંચી છે કે, ત્યાં સુધી કોઈ વિમાન પહોંચી શકયું ન હતું.
તેમણે જણાવ્યું હતું કે `પ્રથમવાર મને ખબર પડી હતી કે ગળે મળવું અને ગળે પડવું કોને કહેવાય. રાહુલનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે અહીં આ આંખોની મસ્તીનો ખેલ જોવા મળ્યો હતો. લોકસભામાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેનું ગળું ખરાબ છે નહિ તો કંઈક શીખવા મળ્યું હોત. 1400થી વધુ નિક્રિય કાયદાઓ ખતમ કરવામાં આવ્યા છે. આ શુભ શરૂઆત છે. હજી ઘણું કરવાનું બાકી છે અને આ માટે સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવે આશીર્વાદ આપી દીધા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer