મુંબઈ, તા. 14 : આજે વૅલેન્ટાઈન ડે છે તેથી આ દિવસ ભારતમાં ગુલાબ ઉગાડતા ખેડૂતો માટે આ ડે વળતરદાયક મનાય છે. જેમાં આ દિવસને અનુલક્ષી ભારતથી જ વિશ્વમાં રૂા. 27-30 કરોડની કિંમતના ગુલાબની નિકાસ થયાનો અંદાજ મનાય છે. તો ઘરઆંગણે પણ તેના ભાવ ઊંચા બોલાય છે. 14 ફેબ્રુઆરી પહેલાં મુંબઈ અને દિલ્હીમાં ગુલાબ રૂા. 20-22ના ભાવે વેચાય છે.
આ વર્ષે ગુલાબની નિકાસ રૂા. 27-30 કરોડની થઈ છે તો ગયા વર્ષે રૂા. 23 કરોડના અને 2017માં રૂા. 19 કરોડની કિંમતના ગુલાબની નિકાસ થઈ હતી, એમ ઇન્ડિયન સોસાયટી અૉફ ફ્લોરિકલ્ચર પ્રોફેશનલ્સ (આઈએસએફપી)એ જણાવ્યું હતું.
ભારતના ગુલાબ માટે યુકેએ મોટી નિકાસ બજાર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. તો ત્યાર પછીના ક્રમે મલયેશિયા, અૉસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને જાપાનની માર્કેટો ગણાય છે. જેમાં મલયેશિયા તો ભારતીય ગુલાબો માટેની નવી માર્કેટ રહી છે અને ત્યાંથી તે માટે પુષ્કળ માગ જણાઈ રહી છે.
ખેડૂતોને એક ફૂલ દીઠ રૂા. 15નું વળતર ઊપજે છે. જે એક સપ્તાહ પૂર્વે રૂા. 7-9માં વેચાતું હતું. તો લંડનમાં તેનો છૂટક ભાવ એક ફૂલના 0.4 ડૉલર (રૂા. 28) બોલાય છે. પણ ઊંચો હવાઈ ચાર્જ, ટ્રાન્સપોર્ટના ખર્ચને લક્ષમાં લેતા ખેડૂતોને એક ફૂલના રૂા. 10થી ઓછા મળે છે.