પ્રૉવિડન્ટ ફંડના અબજો રૂપિયા સલવાયા

પ્રૉવિડન્ટ ફંડના અબજો રૂપિયા સલવાયા
14 લાખ કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ
મુંબઈ, તા. 14 : પ્રોવિડન્ટ અને પેન્શન ફંડ ટ્રસ્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ (આઈએલ ઍન્ડ એફએસ) ગ્રુપના બોન્ડમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું અને આ ટ્રસ્ટોએ હવે નેશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલમાં દરમિયાનગીરી કરવાની છૂટ મળે એ માટે અરજી કરી છે. ટ્રસ્ટોએ જે બોન્ડમાં રોકાણ કર્યું છે તે અનસિક્યોર્ડ ડેટ (અસુરક્ષિત કર્જ)માં આવે છે અને આથી તેમને એવો ડર છે કે તેઓ નાણાં ગુમાવશે.
આ ટ્રસ્ટોએ 91,000 કરોડ રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ ધરાવતા આઈએલ ઍન્ડ એફએસના બોન્ડના રૂપમાં કેટલું રોકાણ કર્યું છે એનો ચોક્કસ આંકડો જાણવા મળ્યો નથી પરંતુ એમ કહેવાય છે કે આ રોકાણ 5000 કરોડ રૂપિયાથી પણ વધારે રકમનું છે અને આનો ફટકો 10 લાખથી વધારે કર્મચારીઓને પડી શકે. ડૂબી ગયેલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના બોન્ડ `િટ્રપલ એ'નું રેટિંગ ધરાવતા હોવાથી રિટાયરમેન્ટ ફંડના માનીતા હતા. રિટાયરમેન્ટ ફંડ હંમેશાં એવામાં રોકાણ કરે છે જેમાં જોખમ ઓછું હોય અને રિટર્ન બાંયધરીવાળા હોય.
સાધનોનાં જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રની કંપનીઓ જેવી કે એમએમટીસી, ઇન્ડિયન અૉઈલ, સિડકો, હુડકો, આઈડીબીઆઈ, એસબીઆઈ અને ગુજરાત તથા હિમાચલ પ્રદેશના ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓનાં પીએફ ફંડનું સંચાલન કરતાં ટ્રસ્ટોએ પિટિશન નોંધાવી છે. હિન્દુસ્તાન યુનિલિવર અને એશિયન પેઈન્ટ્સ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓનાં પીએફ ટ્રસ્ટનાં નાણાં પણ  સલવાઈ ગયાં હોવાનું કહેવાય છે. ઇન્સોલવન્સી ઍન્ડ બૅક્રપ્ટસી કોડની 53મી કલમ દેવાળિયું ફૂંકનાર કંપનીએ નાણાં પરત કરતી વખતે કેવા અગ્રતાક્રમ અપનાવવા એ સ્પષ્ટ કરે છે. અસરગ્રસ્ત ટ્રસ્ટોએ આ 53મી કલમને જ પડકારી છે.
અનેક બીજી કંપનીના કર્મચારીઓનાં પીએફ ટ્રસ્ટનાં નાણાં સલવાઈ ગયાં હોવાથી અને અરજી કરવાની અંતિમ તારીખ 12 માર્ચ હોવાથી ઇન્ટરવેન્શન ઍપ્લિકેશનની સંખ્યા હજી વધશે. 14 લાખ કર્મચારીનાં રિટાયરમેન્ટ બેનિફિટનું સંચાલન કરતા 50 ફંડે અત્યાર સુધી અરજી નોંધાવી છે. દેવાળું ફૂંકનાર કંપનીએ આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી છે.
આઈએલ ઍન્ડ એફએસએ પોતાની ગ્રુપ કંપનીનું ત્રિસ્તરીય વિભાજન કર્યું છે.
ગ્રુપની 302 એન્ટીટીમાંથી 169 ભારતીય કંપનીઓ છે. આમાંથી 22નું વર્ગીકરણ ગ્રીનમાં કરવામાં આવ્યું છે. જે પોતાનું બધું દેવું ચૂકવી શકે છે. `બીજી દસ કંપનીને અમ્બરમાં મૂકવામાં આવી છે જે સિક્યોર્ડ કંડીટર્સને જ નાણાં ચૂકવી શકે એમ છે. બીજી 38 કંપનીઓ સંકટમાં છે અને લાલ વર્ગીકરણ ધરાવતી આ કંપનીઓ કોઈ પણ લેણદારને નાણાં પરત કરવાની સ્થિતિમાં નથી. શેષ 100 જેટલી કંપનીનું હજી વર્ગીકરણ કરાઈ રહ્યું છે. જે પેમેન્ટ ફક્ત સુરક્ષિત લેણદારોને કરાશે તો ફક્ત બૅન્કને નાણાં પરત મળશે અને અનસિક્યોર્ડ બોન્ડધારકોને કંઈ નહીં મળે.
સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા અને એલઆઈસી આઈએલ ઍન્ડ એફએસને પ્રમોટ કરતી હોવાથી પીએફ ટ્રસ્ટો આમાં રોકાણ કરતાં હતાં. તદુપરાંત કંપનીએ બોન્ડનું માળખું પીએફ ટ્રસ્ટની જરૂરિયાત પ્રમાણેનું બનાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલાં રિસોલ્યુશન પ્રોસેસ હાથ ધરાશે તો પીએફ ટ્રસ્ટના ડિફોલ્ટને રાજકીય રંગ લાગશે

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer