કોહલીની કેપ્ટનશિપ પોન્ટિંગ જેવી : બ્રેટ લી

કોહલીની કેપ્ટનશિપ પોન્ટિંગ જેવી : બ્રેટ લી
નવી દિલ્હી, તા.27: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે અનેક વિક્રમ બોલે છે. તેની ગણના અત્યારથી જ મહાન ખેલાડી તરીકે થઇ રહી છે. તેના આક્રમક નેતૃત્ત્વની પણ પ્રશંસા થઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીનું માનવું છે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ ઘણા અંશે રીકિ પોન્ટિંગ જેવી છે. લી કહે છે કે બધાની કેપ્ટનશીપ અલગ-અલગ હોય છે. તમે પોન્ટિંગ અને કોહલીની કેપ્ટનશીપ જોશે તો બન્ને વચ્ચે ઘણી સમાનતા છે. મને કોહલીનું સુકાનીપદ એટલા માટે પસંદ છે કે તેમાં ઝનૂન છે. તે સતત ટીમ માટે લડત આપતો રહે છે. તે મેદાન પર જુસ્સા સાથે ઉતરે છે. આથી ટીમનો પણ જુસ્સો વધે છે. કોહલીની કેપ્ટનશીપમાં આથી ભારતીય ટીમને ત્રણેય ફોર્મેટમાં સફળતા મળી છે. તેમ બ્રેટ લી કહે છે. 
લી કહે છે કે મેં ગાંગુલી અને ધોનીની કેપ્ટનશીપ જોઇ છે. તેમની સામે હું રમ્યો છું. તે બન્ને અલગ કપ્તાન હતા. તેઓ શાંત-ચિત કપ્તાન હતા, પણ પ્રભાવશાળી હતા. ગાંગુલી તેના ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી જાણતો હતો. તે ટીમના પ્રતિભાશાળી ખેલાડીઓને સારી રીતે સંભાળી લેતો હતો. ધોની પણ શાનદાર સુકાની બની રહ્યો. લી કહે છે કે બેટિંગની વાત કરીએ તો કોહલી તમામથી ચડિયાતો છે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer