2023માં ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ માટે ક્વોલીફાઈંગ સુપર લીગનો આરંભ કર્યો આઇસીસીએ

2023માં ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ માટે ક્વોલીફાઈંગ સુપર લીગનો આરંભ કર્યો આઇસીસીએ
ટોચની 13 ટીમ ભાગ લેશે : પહેલી ટક્કર વિશ્વ વિજેતા ઇંગ્લૅન્ડ અને આયરલેન્ડ વચ્ચે
દુબઇ, તા.27 : આઇસીસી દ્વારા વન ડે સુપર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ભારતમાં 2023માં રમાનાર વર્લ્ડ કપની ક્વોલીફાઇ ટૂર્નામેન્ટ છે. તેનું લક્ષ્ય 50 ઓવરના ક્રિકેટને વધુ પ્રાસંગિક બનાવવું છે. આઇસીસીએ કહ્યં છે કે યજમાન ભારત અને સુપર લીગમાં ટોચ પર રહેનારી સાત ટીમ સીધી જ વર્લ્ડ કપની ટિકિટ મેળવશે.
સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચેની સિરિઝથી થશે. બન્ને દેશ વચ્ચેની વન ડે શ્રેણી 30 જુલાઇથી સાઉથમ્પટનમાં રમાશે. બાકીનો કાર્યક્રમ આઇસીસી પછી જાહેર કરશે. આ સુપર લીગ 3 વર્ષ સુધી ચાલશે. કુલ 13 ટીમ ભાગ લેશે. જેમાં આઇસીસીની પૂર્ણ સદસ્ય દેશની 12 ટીમ અને નેધરલેન્ડસ સામેલ છે. નેધરલેન્ડસે વિશ્વ ક્રિકેટ સુપર લીગ 2015-17 જીતીને મુખ્ય લીગમાં જગ્યા મેળવી છે. 
સુપર લીગમાં પ્રત્યેક ટીમ ત્રણ મેચની ચાર શ્રેણી દેશમાં અને વિદેશમાં રમશે. જે પાંચ ટીમ સુપર લીગમાંથી ક્વોલીફાઇ કરવામાં નિષ્ફળ રહેશે તે 2023માં પાંચ એસોસિએટ ટીમ સાથે ટક્કર લેશે. જેમાંની બે ટીમને ભારતમાં 2023માં 10 ટીમ વચ્ચે રમાનાર વન ડે વિશ્વ કપમાં સ્થાન મળશે. પ્રત્યેક ટીમને જીત માટે 10 પોઇન્ટ મળશે. જ્યારે ટાઇ કે રદ થવાની સ્થિતિમાં બન્ને ટીમને પ-પ પોઇન્ટ મળશે. હાર માટે કોઇ પોઇન્ટ નહીં મળે. ટીમની રેન્કિંગ આઠ શ્રેણીના પોઇન્ટના આધારે નક્કી કરાશે. 
ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગને કહ્યં છે કે આયરલેન્ડ વિરૂધ્ધ મેદાને ઉતરીને 2023ના વિશ્વ કપની યાત્રાનો અમે આરંભ કરશું. ગયા વખતે અમે વિશ્વ કપ ઘરમાં રમ્યા હતા. આ વખતે ભારતમાં રમવાનો છે. એટલે પડકાર કઠિન હશે. બીજી તરફ આયરલેન્ડના સુકાની એન્ડ્રુ બાલબિર્નીએ કહ્યં છે કે પહેલા મેચમાં જ વિશ્વ વિજેતા સામે રમવાનું છે. આથી ચુનૌતિ જોરદાર રહેશે. અમે સારી તૈયારી કરી છે અને 2023ના વર્લ્ડ કપમાં ક્વોલીફાઇ થવાનો વિશ્વાસ છે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer