લોન મોરેટોરિયમની મુદત નહીં લંબાવવા એચડીએફસીના ચેરમેન દીપક પારેખની આરબીઆઈને વિનંતી

મુંબઈ, તા. 27 : વધી રહેલી એનપીએ સંદર્ભે મોરાટોરિયમની સુવિધા બંધ કરવાની માગણી એચડીએફસીના ચેરમેન દિપક પારેખે કરી છે. જોકે, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમારું સૂચન મેં નોંધ્યું છે પણ આ તબક્કે હું તે વિશે કોઈ ટિપ્પણી કરી શકું તેમ નથી. સીઆઇઆઈની એક વીડિયો કોન્ફરન્સમાં તેઓ બોલી રહ્યા હતા. 
પારેખે કહ્યું હતું કે મોટરીયમથી એનબીએફસીને નુકસાન થઈ રહ્યું છે અને જેઓ લોનના હપ્તા ચૂકવવા સક્ષમ છે તેઓ પણ તે ભરવાનું ટાળી રહ્યા છે તેથી લોનના હપ્તા ભરવામાં હવે પછી રાહત આપવાનું આરબીઆઇ બંધ કરે.  
વિશ્વની અન્ય મધ્યસ્થ બેન્કોની જેમ આરબીઆઈ એ પણ કોર્પોરેટ બોન્ડ પેપર ખરીદવા જોઈએ, એવું સૂચન પણ દિપક પારેખે કર્યું હતું.  
દેશમાં થઈ રહેલા અમુક મોટા અને ઝડપી પરિવર્તનથી ભારતના અર્થતંત્રને તેનો લાભ મળશે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)ની રાષ્ટ્રીય કારોબારીના સભ્યોને તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધી રહ્યા હતા.  
અત્યારે જે પરિવર્તનો થઈ રહયા છે તેનું માળખાકીય રૂપાંતર કરવાની જરૂર છે, જો તે સફળ થાય તો દેશના અર્થતંત્રને નોંધપાત્ર લાભ થશે, એમ દાસે જણાવ્યું હતું.  
કૃષિ ક્ષેત્રની તરફેણમાં અત્યારે નસીબ સાથ આપી રહ્યું છે, વીજળી અથવા ઊર્જા ક્ષેત્રમાં બિનપરંપરાગત ઉર્જા ઉપર ધ્યાન કેન્દ્રિત થતાં આપણે વીજ પુરાંતમાં આવ્યા છીએ, એમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું. 
ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી) અને સ્ટાર્ટ અપ્સનો વિકાસ થઈ રહ્યો છે અને તેનાથી અર્થતંત્રને નવું બળ મળી રહ્યું છે. તે સાથે સપ્લાય અને વેલ્યુ ચેઇનનું મહત્ત્વ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વધી રહ્યું હોવાથી ભારતના અર્થતંત્રને તેનો સીધો લાભ થઈ રહ્યો છે, એમ શક્તિકાંત દાસે જણાવ્યું હતું.  
ભારતીય ઉદ્યોગો અત્યંત મહત્ત્વની ભૂમિકા બજાવશે અને તેમની કામગીરી `મૌન ક્રાંતિ` તરીકે ઓળખાશે, એમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું.  
કૃષિ ક્ષેત્ર માટે તેમણે કહ્યું કે દેશમાં વધારાના કૃષિ ઉત્પાદનોની સમસ્યા છે તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer