સોનાની તેજી નવી ઊંચાઈએ : રાજકોટમાં રૂા. 54,200; મુંબઈમાં રૂા.52,519

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ / રાજકોટ, તા. 27 : કિંમતી ધાતુઓની તેજીએ વિરાટ સ્વરુપ ધારણ કરતા સોનામાં વૈશ્વિક અને ઘરઆંગણાની બજારમાં ઐતિહાસિક ઉંચા ભાવ થઇ ગયા હતા.ન્યૂયોર્કમાં સોનું 2011માં રચાયેલી 1920 ડોલરની સપાટી વટાવીને નવી 1947 ડોલર પ્રતિ ઔંસની ટોચ બનાવીને 1944 ડોલર રનીંગ હતુ. ચાંદી પણ સાત વર્ષની ઉંચી 24.42 ડોલરની સપાટીએ રનીંગ હતી. 
સોમવારે સોનામાં 2 ટકાનો અને ચાંદીમાં 6 ટકાનો ઉછાળો આવ્યો હતો. કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને તેના કારણે આર્થિક વિકાસ પ્રભાવિત થયો છે. બીજી તરફ મધ્યસ્થ બેંકો દ્વારા પણ ઉદ્દીપક પેકેજો જાહેર થઇ રહ્યા હોવાથી ફુગાવાના ડરને લીધે સોના-ચાંદીમાં હેજરુપી ખરીદી છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા રાજાકિય યુધ્ધને લીધે ડોલરના મૂલ્યમાં પણ કડાકો સર્જાયો હતો.  
વિશ્લેષકો કહે છે, સોના-ચાંદીની ખરીદી સુરક્ષિત રોકાણ તરીકે થઇ રહી છે. જે મધ્યમ અને લાંબાગાળામાં ચાલુ રહેવાની ધારણા છે. અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક મંગળવારથી બે દિવસ માટે શરું થઇ રહી છે. એમાં નાણાનીતિ અંગે ચેરમેનની ટિપ્પણી મહત્વની બનશે. ફેડ કોઇ આશ્ચર્યજનક જાહેરાત કરે તો જ સોનાની તેજીને બ્રેક લાગીને કડાકો આવશે. એ સિવાય તેજીની શક્યતા છે.  
2020ના વર્ષમાં સોનાના ભાવમાં 28 ટકાની તેજી આવી છે. જે હેજફંડોની ચિક્કાર ખરીદીને આભારી છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 1600ની તેજીમાં રૂા. 54200 અને મુંબઇમાં રૂા. 1395ની તેજી સાથે રૂા. 52519 રહ્યું છે. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂા. 4300 ઉંચકાઇને રૂા. 63300 અને મુંબઇમાં રૂા. 4620ની તેજીમાં રૂા. 64505 રહી હતી.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer