સોનાના દાગીના માટે ફરજિયાત હોલમાર્કિંગની મુદત લંબાવાઈ

નવી દિલ્હી, તા.27: કોરોના વાયરસના રોગચાળાના પગલે સરકારે સોનાના દાગીના ઉપર ફરજિયાત હોલમાર્કિંગની મુદત 15 જાન્યુઆરી 2021થી વધારીને 1 જૂન 2021 કરી છે.  
ઝવેરીઓએ કોવિદના પગલે સોનાના દાગીના અને અન્ય ચીજો ઉપર ફરજિયાત હોલમાર્કિંગ માટે મુદત વધારવાની માગણી કરી હતી, તે મુજબ અમે અંતિમ મુદત 15 જાન્યુઆરીથી વધારીને 1 જૂન 2021 કરી છે, એમ કેન્દ્રના ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને અહીં જણાવ્યું હતું.  
ગોલ્ડ હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણ પત્ર છે અને અત્યારે તે સ્વૈચ્છિક છે પણ 1 જૂન 2021 પછી સોનાના દાગીના અને સોનાની અન્ય વસ્તુઓ ઉપર તે ફરજિયાત થશે, એમ પાસવાને જણાવ્યું હતું.  
તે અનુસાર આવતા વર્ષની 1 જૂનથી ઝવેરીઓને માત્ર 14,18 અને 22 કેરેટના દાગીના હોલમાર્ક સાથે વેચવાની પરવાનગી મળશે, એમ તેમણે જણાવ્યું હતું.  
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ  અને ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન દ્વારા કોવિદના કારણે સોનાના દાગીના ઉપર ફરજિયાત હોલમાર્કિંગની અંતિમ મુદત વધારવાની માગણી થઈ હતી.  
કોવિદના કારણે ઝવેરીઓનો ધંધો 3 મહિના બંધ રહ્યો હતો અને બિઝનેસ પૂર્વવત થતાં વધુ 3 - 4 માસનો સમય લાગશે, તેથી તેઓ હોલમાર્કિંગ કરી શક્શે નહિ, એમ કાઉન્સિલના વાઇસ ચેરમેન શંકર સેને જણાવ્યું હતું.  
અત્યારે માત્ર 40 ટકા ગોલ્ડ જવેલરીનું હોલમાર્કિંગ થાય છે અને 28,849 જવેલર્સ બીઆઈએસ સાથે રજિસ્ટર્ડ થયા છે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer