શહેરનો મૃત્યુદર વધવા માટે નાની હૉસ્પિટલો દોષિત?

મુંબઈ, તા 27 : રાજ્ય દ્વારા નિયુક્ત કોવિડ-19 ટાસ્ક ફોર્સના જણાવ્યા મુજબ શહેરની નાની હોસ્પિટલ અને નર્સિંગ હૉમ સારવાર અંગેના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવાની સાથે દરદીની તબિયત કથળવા માંડે તો પણ તકેદારી લેતા ન હોવાથી મુંબઈનો મૃત્યુદર સતત વધી રહ્યો છે. પાલિકા કમિશનર આઇ. એસ. ચહલ સાથે યોજાયેલી ટાસ્ક ફોર્સના સભ્યોની માટિંગમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં આવનારા મોટા ભાગના દરદીઓની હાલત ગંભીર હોય છે અને તેઓ નાના નર્સિંગ હૉમથી લાવવામાં આવે છે. લગભગ દરેક કેસમાં ટાસ્ક ફોર્સે નોંધ્યું છે કે નર્સિંગ હૉમ સારવારમાં ગોટાળા કર્યા હોય છે કે મોટી હોસ્પિટલમાં મોકલવામાં ઘણો સમય વીતાવી દે છે. મહાપાલિકાએ હવે વૉર રૂમને જણાવ્યું છે કે દરેક વૉર્ડની નાની હોસ્પિટલમાં સારવાર લેતા કોવિડ-19ના કેસ પર નજર રાખે અને ખાત્રી કરે કે દરદીને મોટી હોસ્પિટલમાં મોકલવામાં વિલંબ ન કરે. મુંબઈમાં હાલ મૃત્યુનો દર વધીને 3 અને 4 ટકા જેટલો છે જે એક ટકા પર લાવવા પાલિકાએ મિશન સેવ લાઇવ્સ અભિયાન શરૂ કર્યુ છે. 
પાલિકાએ 66 નર્સિંગ હૉમ અલગ તારવ્યા છે જ્યાં 50 કરતા ઓછા બેડ છે અને ત્યાં આઇસીયુ જેવી સુવિધા ઉપલબ્ધ નથી. આમાંના મોટા ભાગના નર્સિંગ હૉમ અંધેરી અને બોરિવલી વચ્ચે આવેલા છે.  નર્સિંગ હૉમને ગંભીર દરદીઓને દાખલ કરવાનો અધિકાર નથી અને જો દરદીની હાલત એકદમ કથળી હોય તો તુરંત મોટી હોસ્પિટલમાં જાણ કરવાની સૂચના આપી છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. 
ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર શશાંક જોશીએ જણાવ્યું કે દરદી એટલી નાજુક હાલતમાં હોસ્પિટલમાં આવે છે કે એને ઉગારવો ઘણો મુશ્કેલ હોય છે. આવા નર્સિંગ હૉમે કોવિડ-19ના દરદીઓને એડમિટ કરવાને બદલે કોવિડ સિવાયના દરદીઓ પર ધ્યાન આપવું જોઇએ. ચહલે શનિવારે જણાવ્યું કે મુંબઈમાં અત્યંત ગંભીર હાલતમાં લવાયેલા થાણે, નવી મુંબઈ દરદીઓ ઉપરાંત નાના નર્સિંગ હૉમથી લવાયેલા કોવિડ-19ના દરદીઓનું મૃત્યુનું પ્રમાણ વધુ હોય છે. 54 ટકા જેટલા મૃત્યુ કોવિડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં આવવામાં મોડુ થવાને કારણે થાય છે. જોકે ખાનગી ડૉક્ટર્સનું કહેવું છે કે નર્સિંગ હૉમને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે. અમે તો પાલિકા જે કહે એ પ્રમાણે કરીએ છીએ. પાલિકા પર બેડ વધારવાનું દબાણ હતું ત્યારે ખાનગી નર્સિંગ હૉમને કોવિડ ફેસિલિટીમાં બદલી નાખ્યા. પરંતુ હોસ્પિટલમાં આઇસીયુ નથી કે નથી સઘન સુવિધાઓ. એટલે સ્વાભાવિક છે કે દરદીની સ્થિતિ ગંભીર બને ત્યારે મુશ્કેલી થવાની જ, એમ અસોસિયેશન અૉફ મેડિકલ કન્સલ્ટંટના પ્રમુખ ડૉક્ટર દીપક બૈદે જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, એ પણ હકીકત છે કે પાલિકા પાસે હજુ પણ આઇસીયુ બેડની અછત છે અને એ મૃત્યુદર વધુ હોવાનું મુખ્ય કારણ છે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer